નવેમ્બર-1962, બરફથી ઢાંકેલા હિમાલયની હાજરીમાં ભારતના ઉત્તરી સરહદના સીમાડાને સળગી ઉઠયા. ભારત-ચાઇના યુદ્ધ, ચાઇનીઝ ડ્રેગન ભારતની ગાઉં જમીન ગળતો જાય છે. ટૂંકી દષ્ટ્રીની નેતાગીરીને પ્રતાપે ભારતના જવાનો પાસે ટાંચા હથીયારો રહ્યા છે. પણ તો ય એ જવાનો હિમાલયના ખોળામાં પોતાના ખોળિયામાંથી ઉના-ઉના રક્ત વહાવી મા ભારતીના સીમાડા સાચવવા ઝઝૂમી રહ્યા છે. ધીમે-ધીમે દેશ જાણી રહ્યો છે, સરહદે સંગ્રામ ખેલતાં આપણા બાળુડા પાસે પુરા હથીયાર ય નથી.
એવે ટાણે હેમુ ગઢવીએ કવિ દાદ પાસે જઇને કહ્યું કે, "મામા, અમે થોડાક કલાકારો સૌરાષ્ટ્ર નાટ્ય અને સંગીત અકેડમી તરફથી સૌરાષ્ટ્રના ગામડે ગામડે કાર્યક્રમ કરીને દેશના જવાનોના લાભાર્થે ટહેલ નાખવા - ફાળો કરવાનાં જવાનાં છીએ... મામા મને એક એવું શોર્યગીત લખી દો કે હું જયા ગાવ ત્યાં સાંભળનારાના રુવાડેરુવાડે આપણા જવાનોની કુરબાનીની કદર જાગે..."
અને ત્યારે દાદની કલમમાંથી જે શબ્દો નીકળ્યા એ આજે ય કોઇના રુવાડા ઊભા કરી દે છે.
આ કલાકારોએ એ સમયે જવાનોના લાભાર્થે ત્રીસ દિવસમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં વીસ કાર્યક્રમ કરીને ૬૦ હજાર રોકડા, ૧૧૧ તોલા સોનું અને ૯૫ તોલા રૂપું ભેગું કરી સંરક્ષણ ફંડમાં જમા કરાવેલુ....(૧૯૬૨ જયારે રૂપિયાની સવા કિલો ખાંડ હતી)
અને એ ગીત.
ટોચોમાં ટાંકણું લઇ ભાઇ ઘડવૈયા !
મારે ઠાકોરજી નથી થાવું.
ધડધીંગાણે જેના માથા સમાણે
એનો પાળિયો થઇને પૂજાવું. ઘડવૈયા..મારે
હોમ હવન કે જગન જાપથી
મારે નથી પધરાવું
બેટડે બાપના મોઢા ન ભાળ્યા
એના કુમળા હાથે ખોડાવું. ઘડવૈયા..
ગોમતીજી કે ઓલ્યા જમુનાજીના
નીર ગંગામાં નથી નાવું
નમતી સાંજે કોઇ નમણી વિજોગણના
ટીપા આંસુડે ભીંજાવું…ઘડવૈયા.
મોહ ઉપજાવે એવી મૂરતિયુંમાં
ચિતારા નથી ચીતરાવુ.
રંગ કસૂંબલ ઘૂંટયો રદામાં
દાદલ જાજુ શું રંગાવું ? …ઘડવૈયા
આ એક શોર્યગીત આટલું જબરદસ્ત છે, તો વિચારો દુલા ભાયા ‘કાગ’ કે જે કંઠ, કહેણી અને કવિતાનો સુમેળ સાધનારા ‘કાગ’ લોકગીતો, ભજનો અને આખ્યાનોનો જાહેર કાર્યક્રમો પણ આપતા. એમના પછી સૌરાષ્ટ્ર ના બીજા કવિ કે જે દુલા ભાયા કાગ ની સમકક્ષ ગણાય એ છે કવિ દાદ અને એમની અન્ય રચનાઓ કેવી હશે?
જેમકે
કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો
છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો
બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો,
રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો
આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો
અરે ધૂબકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો
ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો
ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો
લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો
ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી
ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી,
ગાર્યું કરે ગોરા હાથવાળી;
ગોપીયું ચીતરી, કાનુડો ચીતર્યો,
ચીતર્યા ગોપ ને ગોવાળી…ભીંતડિયું
ખરબચડા જેવી તું ઊભી’તી ખોરડે,
અટૂલી ને ઓશિયાળી;
ચૂડિયુંવાળા હાથે છંદાણી તું,
સુખણી થઇ ગઇ સુંવાળી..ભીંતડિયું
ઘૂંઘટામાંથી બા’રે મોઢાં ન કાઢતી,
ન પેનીયું કોઇએ નિહાળી;
પદમણી તારી દેયું પંપાળે,
હેમ સરીખા હાથવાળી.ભીંતડિયું
ધોળી તે ધૂળના છાંટા ઊડ્યા જાણે,
તારલે રાત્ય અજવાળી;
ચાંદની જેમ તને ચારે દશ્યુંએ,
ઓળીપો કરીને ઉજાળી.ભીંતડિયું
પસીનો લૂછતાં ઓઢણી પડી ગઇ,
લજવાણી લાજાળી;
ભાવ ભરેલી એ દેહમાં ભાળી તેં,
રેખાઉં હરિયાળી.ભીંતડિયું
‘દાદ’ કરમની દીવાલ ઊઘડી,
કોણે નમાવી ડાળી;
જડે ચેતનના પ્રતિબિંબ ઝીલ્યાં ઇ,
વાત્યું છે વીગતાળી.
ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી
ગાર્યું કરે ગોરા હાથવાળી.