એક રચના

આજે સવારે ચાલતો
હતો ત્યાં કોઈકે બોલાવ્યો.
જોયું તો પીપળો.
હું ઝડપથી ચાલતો
પીપળા પાસે ગયો,
વંદન કર્યા.
ખબરઅંતર પૂછ્યા.
કહે મને તો કંઈ થયું નથી,
પણ તમે બધા ઓક્સિજન માટે
વલખાં મારો છો તે
મારાથી જોયું જતું નથી.

પીપળાના કંઠમાં ભીનાશ હતી.

મેં કહ્યું.. અમે હવા બગાડી, આરોગ્ય બગાડ્યું, શરીર વારંવાર ખોટવાઈ જાય તેવા ધંધા કર્યા, હવે વાત પ્રાણવાયુએ પહોંચી છે... વાંક તો અમારો જ છે ને?

પીપળો બોલ્યો: આવી સમજણ છે એ બહુ મોટી વાત છે. મને અફસોસ એ વાતનો છે કે હું 24 કલાક ઓક્સિજન બનાવું છું તો પણ આવા કપરા સમયમાં માણસજાતને મદદ કરી શકતો નથી...

મેં કહ્યું મન નાનું ના કરો, તમે તો સદીઓથી અમને પ્રાણવાયુ આપી જ રહ્યા છો.. અમને કોઈ ટીપ્સ આપો..

પીપળો વિચારમાં પડ્યો. થોડું ફરફર્યો. બોલ્યો... માણસ જાત કોઈની ટીપ્સ લે એ વાતમાં માલ નથી.
મેં કહ્યું હવે એવું નથી દેવ.. હવે અમારી સાન ઠેકાણે આવી છે.. કંઈક અમને મદદ કરે તેવું કહો..

પીપળો બોલ્યો:
બસ, માપમાં રહો... વિકાસ કે પ્રગતિની પાછળ ચાલો, દોડો નહીં.. પૈસા, સુખ- સગવડ, સાધનો, ઉપકરણો, પ્રતિષ્ઠા બધામાં માપ રાખો..
હવે માનવ જાતનો જીવન મંત્ર
હોવો જોઈએ... માપસર.

મેં બે હાથ જોડીને પીપળાને વંદન
કર્યા.
ત્યાં તો મારા શરીરમાં જબરદસ્ત ફેરફાર થયો... નાક શ્વાસ લેતાં થાકવા લાગ્યું. મને એકદમ સારું લાગવા માંડ્યું. દોડતો દોડતો ઘરે ગયો. ઓક્સિમીટરથી ઓક્સિજન માપ્યો... 110.

100થી પણ ઉપર.
ત્યાં મોબાઇલ ફોનની રિંગ વાગી.
ફોન ઉપાડ્યો. સંભળાયું.. પીપળો બોલું છું.. મેં જ મોકલ્યો હતો ઓક્સિજન.
કહી દેજે આખી માનવજાતને કે અમારામાં છે ક્ષમતા ઓક્સિજન પૂરો પાડવાની.. અમારી સાથે તાલમેલ રાખશો તો
બાટલામાંથી નહીં પાંદડામાંથી
પ્રાણવાયુ મળશે..

હું વિચારમાં પડી ગયો....

Gujarati Blog by Kavita Gandhi : 111696052
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now