મિલનનો જે ક્ષણે મોકો મળે, ઉત્સવ થવા લાગે,
ક્ષણો ભેગી કરું એ, જિંદગી વૈભવ થવા લાગે.
હથેળી વ્હાલથી પકડીને જયારે તું ચૂમી લે છે,
બધા દુ:ખનું રૂપાંતર સુખમાં પણ સંભવ થવા લાગે.
લખે એકાદ મિસરો તું મને જો ધ્યાનમાં રાખી,
ભીતરમાં કોઈ છાના ગર્વનો ઉદભવ થવા લાગે.
હૃદયના ખૂણે એક અરમાન સંતાઈને બેઠું છે,
પ્રણયમાં હું બનું રાધા ને તું માધવ થવા લાગે.
કમી કોઈ નશાની એ જ કારણથી નથી લાગી,
જો તારી યાદમાં આંસુ વહે, આસવ થવા લાગે.
અંજના ભાવસાર 'અંજુ'