"આનંદ"
આજે ૨૦ માર્ચ "વિશ્વ ચકલી દિવસ" અને સાથે સાથે "ઈન્ટરનેશનલ ડે ઑફ હેપ્પીનેસ".
આજે આપણે એવા બે દિવસો એક સાથે ઉજવી રહ્યાં છીએ જેના માટે કોઈ ચોક્કસ દિવસની જરૂર જ નથી.
પણ આ તો માણસ છે ભાઈ!!! ગમે એ દિવસ ઉજવે.
હંમેશા કશાકના અભાવમાં કે પછી કોઈનાં પ્રભાવમાં જીવતો માણસ પોતાનાં જ સ્વભાવમાં જીવવાનું ભૂલી જાય છે.
૨૦૨૦ નું લોકડાઉન આપણાં સૌ માટે અવિસ્મરણીય છે.
બધાં ની જેમ જ મેં પણ ઘરમાં પૂરાઇ ને જ દિવસો કાઢ્યાં. આપણે જ્યારે કેદ ભોગવતાં હતાં ત્યારે પશુ પક્ષીઓ આઝાદી ભોગવી રહ્યાં હતાં.
નવરાશની પળોમાં હું મારું મનગમતું પુસ્તક લઈને બહાર ઓટલા ઉપર જ બેઠી હોઉં . જાત જાતના પક્ષીઓ આખાં દિવસ દરમ્યાન બારણાંમાં ચણ ચણવા આવે.
પણ ભર બપોરે નિરવ શાંતિ હોય ત્યારે એક પ્રેમી યુગલ આવે અને આ શાંત વાતાવરણ એમનાં કેકારવથી ગૂંજી ઉઠે.
એમને જોવામાં મારું ધ્યાન જરાય પુસ્તકમાં ન રહે. બસ એમને જ જોયા કરું. બંને જણ ખૂબ મોજ કરે અડોઅડ ફરે. હવે મઝાની વાત કહું.... ચકી આમ તેમ ફરે અને ચકો દાણાં વીણી વીણીને ચકીના મોં માં મૂકે. પછી બંને પાણી પીવા જાય ફરી આવે. બસ પુસ્તક મારા હાથમાં એમનું એમ રહે અને હું એમનાંમાં મસ્ત થઈ જાઉં.
અહાહાહા.... પ્રેમતો જુઓ સાહેબ!!!!!
આને સાચો આનંદ કહેવાય! હવે આ ચકા ચકીને ક્યાં હેપ્પીનેસ ડે ઉજવવાની જરૂર છે! બંને એકબીજા સાથે કેટલાં હેપ્પી છે. પોતાના જીવનમાં જેટલા દિવસો મળ્યાં એ મોજથી માણે છે!
આવું પ્રેમી યુગલ જોઈને કોને પ્રેમ કરવાનું મન ન થાય!??
હું કાયમ કહેતી હોઉં છું કે, મારે તો પ્રેમમાં જ જીવવું છે અને પ્રેમમાં જ મરવું છે. પછી ભલે ને મારો પ્રેમ વળગણ લાગે! પ્રેમમાં મને આંધળો વિશ્વાસ છે.
કોઈ પણ જીવને બે પળ માટે આપેલો પ્રેમ એમને અને હું તો કહું આપનાર અને લેનાર બંનેને નવું જીવતદાન આપી જતો હોય છે!
પ્રેમ વિના કંઈ જીવાય!??? ના રે ના....
પ્રેમમાં ક્યાં કોઈ બાધ હોય છે...ન ઉંમરનો, ન ન્યાતનો કે ન તો જાતનો કે ન તો લિંગનો.... બસ એ તો પોતાના જ જેવાં બીજા હ્દયને જોઈને, મળીને, એકાકાર અનુભવે છે. ઘણીવાર આવા પ્રેમમાં એકરારની પણ જરૂર નથી જ હોતી.
મારા માટે તો આનંદ નો પર્યાય ફક્ત પ્રેમ જ છે. પ્રેમ થકી જ જીવન ઉજવાય છે, યાર! અને જીવન ઉજવીશું તો જ મૃત્યુ મહોત્સવમાં ફેરવાશે!
અહીં મને મારું મોસ્ટ ફેવરિટ પીક્ચર યાદ આવે છે, "આનંદ"... રાજેશ ખન્નાનો જોરદાર અભિનય.. આ પિક્ચરના દરેક પાત્રો જોરદાર, દમદાર ડાયલોગ અને એના અમર... evergreen ગીતોનું તો કહેવું જ શું!???
આનંદ પીક્ચરનો ગુલઝાર સાહેબનો ડાયલોગ:
“બાબુ મોશાય”
“જિંદગી ઔર મૌત ઉપરવાલે કે હાથમેં હૈ જહાઁપનાહ.
ઉસે ન આપ બદલ સકતે હૈ ન મૈં.
હમ સબ તો રંગમંચ કી કઠપુતલિયાઁ હૈ,
જિનકીડોર ઉપરવાલેકી ઉંગલિયોંમેં બંધી હૈ.
કબ ,કૌન,કૈસે ઉઠેગા ,કોઈ નહીં બતા સકતા હૈ”!
અને મને ગમતું ગીત...
ज़िन्दगी कैसी है पहेली हाय,
कभी तो हँसाए, कभी ये रुलाये!
તો ખુશ રહો! મસ્ત રહો!
- કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ"
૨૦/૦૩/૨૦૨૧