*ધન્ય ભાગ્ય*
બાઈ રે તારાં ભાગ્ય મહા બળવાન
અમૃતપ્રાશણહાર તે તારાં
ગોરસ માગે ક્હાન
ઊંચે વ્યોમભવન ખેલંદો
ઊતર્યો તારે નેસ
ગોરસ મિષે પ્રેમપિયાસી
યાચત બાળે વેશ
ધણી થૈ બેસે તોય શું કહીએ
આતો માગત દાણ
અમૃતપ્રાશણહાર તે તારાં
ગોરસ માગે ક્હાન
કંઈક બીજી જો મહિયારીની
કોઈ ન ફોડે ગોળી
રાત દી પી પી પોતે ગોરસ
બગડ્યાં દેતી ઢોળી
આપણું પીધું તુચ્છ
હરિનું ચાખ્યું બુંદ મહાન
અમૃતપ્રાશણહાર તે તારાં
ગોરસ માગે ક્હાન
ગગરી ફોડી ભવ ફેડ્યો ને
મહીમાં પ્રીત લૂંટાઈ
કાનજી જેવો લૂંટણહાર ત્યાં
કૈં ન બચાવવું બાઈ
બચિયું એટલું એળે અહીં તો
લૂંટવ્યું એટલી લ્હાણ
અમૃતપ્રાશણહાર તે તારાં
ગોરસ માગે ક્હાન
બાઈ રે તારાં ભાગ્ય મહા બળવાન
અમૃતપ્રાશણહાર તે તારાં
ગોરસ માગે ક્હાન
👏 સંતોના ચરણોમાં વંદન👏