જેઓ હંમેશા ખુશ દેખાય છે તેઓ એટલાં માટે ખુશ નથી હોતાં કે તેમની પાસે બધુ જ છે. તેઓ એટલાં માટે ખુશ છે કે એમને પરિસ્થિતી અનુસાર રહેતાં આવડે છે.
આવું હું હંમેશા સાંભળતી આવી છું. આનો અર્થ તો એ થયો કે જે મળ્યું એનાથી જ સંતોષ માની લેવો. આ તો પ્રગતિ અવરોધે છે. જયાં સુધી કોઈક બાબતે અસંતોષની લાગણી ન જન્મે ત્યાં સુધી એનાથી સારું કરવાની ઈચ્છા જ ન થાય. તો પછી પ્રગતિ કેવી રીતે થશે? નવી નવી શોધો કેવી રીતે થશે?
પરિસ્થિતી અનુસાર રહેવું એની વિરુદ્ધમાં હું નથી, પણ એ જ પરિસ્થિતીમાં રહેવું એની હું વિરુદ્ધમાં છું. દુઃખી હોઈએ તો સુખ તરફ વધવાનો પ્રયાસ કરવો અને સુખી હોઈએ તો થોડુ વધારે મેળવીને અન્ય લોકોને મદદરૂપ થઈ શકીએ એ કક્ષાએ પહોંચવાનો પ્રયાસ કરીએ.
- સ્નેહલ જાની