"ચાલો માણસ બનીએ..."
આપણા ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા અનુસાર ભગવાને પૃથ્વી પર ૮૪ લાખ યોનિઓ બનાવી છે, જેમાં ૩૦ લાખ ઝાડ-છોડ, ૨૭ લાખ કીડા મકોડા, ૧૪ લાખ પક્ષીઓ, ૯ લાખ જળચર પ્રાણીઓ અને ૪ લાખ યોનિઓ પ્રાણીઓની છે. આ બધી જ યોનિના અવતારમાં ભટક્યા બાદ, સત્કર્મના આધારે મનુષ્ય યોનિમાં અવતાર મળે છે.હવે અહીં સવાલ એવો થાય કે, "માત્ર મનુષ્ય અવતાર મેળવી લેવો એ પૂરતું છે...!!"માણસ હોઈએ અને માણસાઈ ના હોઈ તો...!!માણસ થઈને બીજા માણસ પ્રત્યે સંવેદના ના હોઈ તો મનુષ્ય અવતાર શુ કામનો...!!
માણસ બાળક બને છે.યુવાન બને છે. પ્રૌઢ બને છે.વૃદ્ધ બને છે.જીવે છે અને મરે છે.આ જીવન અને મૃત્યુની વચ્ચે એ માણસ ક્યારે બને છે...??કદાચ માણસ ,માણસ બન્યા વગર જ મૃત્યુ પામે છે. પૈસા કમાવા માટે,નામ કમાવવા માટે,અમીર બનવા માટે માણસ આખી જિંદગી ખર્ચી નાખે છે. લાખો રૂપિયા કમાઈને પણ એક ગરીબને મદદ નથી કરી શકતો.મોટા મોલમાં ખરીદી કરે ત્યારે લાબું લાબું બિલ ભરે છે પણ એક ગરીબની લારીમાંથી શાકભાજી લેતી વખતે રકઝક કરે છે.હા,આ એ જ માણસ છે જે માણસ તરીકે જીવે છે ,માણસ તરીકે ઓળખાય છે,પણ એ માણસ બની શકતો નથી. માણસ બનવાની વાત પર આપણા ઝવેરચંદ મેઘાણી સાહેબની એક નાનકડી વાર્તા યાદ આવે છે:
એક મુસાફર રસ્તા પર ચાલ્યો જતો હતો. અસહય ગરમી અને થાકથી અકળાતો હતો. તેણે વિચાર્યું ક્યાંકથી પાણી મળે તો તરસ છિપાય અને સ્ફૂર્તિ પણ આવે.થોડુંક આગળ ચાલતા એણે દૂર એક ઘર જોયું. પાણી મળશે એવી આશાએ તે ઘર પાસે ગયો. એક શેઠ ઓસરીમાં ખુરશીમાં પંખા નીચે બેઠા હતા. ખુણામાં પાણીનું એક માટલું પણ હતું. મુસાફરે શેઠ પાસે પાણીની માગણી કરી. શેઠે જવાબ આપ્યો, “થોડી રાહ જુઓ, હમણાં મારો માણસ આવી તમને પાણી આપશે.”મુસાફરે થોડી રાહ જોઈ, પણ તરસે તેના પ્રાણ જતા હતા. તેનાથી રહેવાયું નહીં. તેણે શેઠ પાસે ફરી પાણીની માગણી કરી. શેઠે એનો એ જ જવાબ આપતા કહયું, “થોડી વાર રાહ જુઓ, મારા માણસને આવામાં હવે ઝાઝી વાર નહીં લાગે." અંતે થાકીને મુસાફરે બે હાથ જોડીને શેઠને કહી દીધું, “શેઠ, બે મિનિટ માટે આપ જ માણસ બની જઈ મને પાણી આપો ને! ભગવાન આપનું ભલુ કરશે.”
હાડમાંસથી બનેલા ,લાગણી,સંવેદના અને માણસાઈ વગર ભટકતા આ દેહને માણસ ના જ કહી શકાય.આ દેહની અંદર માણસાઈ નામના છોડને જીવિત કરવો પડે. એમાં સ્નેહ અને દયા રૂપી ખાતર પણ ઉમેરવું પડે.ત્યારબાદ જે વ્યક્તિત્વ ખડું થાય છે એ માણસ છે.
છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે...
ગમ કે મઝધાર મેં એક કિનારા બને,
યા જબીને વફા કા સિતારા બને,
સબકા અચ્છા બને,સબકા પ્યારા બને,
આદમી આદમી કા સહારા બને,
બસ યહી આદમિયત કી પહેચાન હૈ,
માટી કે પૂતલે તુજે કિતના ગુમાન હૈ.
-SHILPA PARMAR "SHILU"