યુદ્ધ ચાલી રહ્યું છે અંતરમનમાં, સમજ નથી પડતી કોણ સાચું છે કોણ ખોટું છે! બધા દેશો અધીરા બન્યાં છે એકબીજા સાથે યુદ્ધ કરવા. આજનો માનવી અધીરો બન્યો છે પોતાનાં દુશ્મન સાથે યુદ્ધ કરવા. જે વાત શાંતિથી કે સમજાવટથી પતી જતી હોય ત્યાં પણ એણે યુદ્ધ જ કરવું છે.
કોઈ શસ્ત્રોથી યુદ્ધ કરે છે તો કોઈ વાણીથી. શસ્ત્રોથી થયેલા યુદ્ધનો ક્યારેક તો અંત આવે જ છે પરંતુ વાણીથી થયેલ યુદ્ધનો અંત જયાં સુધી કોઈ એક વ્યક્તિ નમતું ન મૂકે ત્યાં સુધી નથી આવતો. મારા મતે મોટા ભાગે વાણીથી થયેલ યુદ્ધનો અંત આવતો જ નથી. તક મળી નથી કે વાર કર્યો નથી.
પણ મારે તો વાત કરવી છે માનસિક યુદ્ધની. કેટલાંય વિચારો અને કેટલીય કલ્પનાઓ મનમાં ઊભરતી હોય છે. જ્યારે માનવી વિચારોમાં ખોવાઈ જાય છે, ખાસ કરીને જ્યારે તે કોઈ મુસીબતમાં હોય, ત્યારે જે એ માનસિક યુદ્ધ લડે છે કે બાહ્ય યુદ્ધ કરતાં પણ વધુ ભયાનક હોય છે. જો આ માનસિક યુદ્ધ દરમિયાન એને કોઈ સંતોષકારક ઉકેલ ન મળે ને તો તે હતાશ થઈ જાય છે. કેટલીક વાર તો ખોટું પગલું પણ ભરી લે છે. માનસિક યુદ્ધ દરમિયાન વ્યક્તિ આત્મહત્યા કરવા સુધીની પ્રેરણા પોતાનાં જ વિચારોથી મેળવે છે.
ધંધામાં ખોટ ગઈ માનસિક યુદ્ધ ચાલુ, ઉછીના લીધેલા નાણાં ભરપાઈ નથી થયાં માનસિક યુદ્ધ શરુ, પરીક્ષામાં નાપાસ થયાં કે ઓછાં ગુણ આવ્યાં માનસિક યુદ્ધ ચાલુ. થાય માનસિક યુદ્ધ સાથે બધાએ લડવું પડે. મહાભારતના યુદ્ધમાં અર્જુન પણ માનસિક યુદ્ધ લડ્યો જ હતો ને! જેને સમજાવવા માટે શ્રી કૃષ્ણએ એ જ ક્ષણે ભગવદ્દ ગીતાનું નિર્માણ કર્યું હતું.
પણ શા માટે આટલું બધું યુદ્ધ? શા માટે પોતાની જ જાત સાથે લડવાનું? થોડું જો પોતાની જાત પ્રત્યે સભાન બનીએ તો આ માનસિક યુદ્ધની જરુર જ નહીં પડે. સારા પુસ્તકો વાંચો, સારા લોકો સાથે ચર્ચા કરો, કોઈક મુંઝવણ હોય તો જેને પોતાનાં અંગત સમજતાં હોય એની સાથે ચર્ચા કરી એમની સલાહ લો. ચોક્ક્સ તમને કોઈક તો ઉપાય મળી જ આવશે.
#યુદ્ધ