મારા ઘરની સામે ઊગી એક સોળ વરસની છોકરી,
કે છોકરીને ઉડવું બૌ ગમે.
એની પાંખોમાં બાંધ્યા છે, દોરા અણછાજતા ,
ને આંખોમાં સપનાની વણઝાર.
સપના તો આવે ને જાય મારી લાડલી,
સપનામાં જીવતર ક્યાં બંધાય?
મારી આંખ્યુંમાં વાદળાનું ઝુંડ રોપાય,
ને આઘેરી એક કાળી વિજળી ચીતરાય,
કે એની મઘમઘતી મોસમ જાય છે વિલાય;
મારા ઘરની સામે ઊગી એક સોળ વરસની છોકરી,
કે છોકરીને ઉડવું બૌ ગમે.
એની આસપાસ મોતીડે તોરણ પરોવાય,
એના હાથોમાં લીલીછમ મેંદી લેવાય,
માથે ઓઢેલી ચુંદડીમાં રંગીલો મોરલો ચીતરાય,
કે મોરલો ઉડતો નથી.
કે એના ઉર મહી સપનાઓ ઓગળતા જાય,
મારા ઘરની સામે ઊગી એક સોળ વરસની છોકરી,
કે છોકરીને ઉડવું બૌ ગમે.
----હેતલ ગોહિલ ચૌહાણ