પદ્મવિભૂષણ પંડિત જસરાજને શત શત નમન...
ભારતભૂમિને ખરેખર ધન્ય છે જ્યાં આવી વિભૂતીએ જન્મ લીધો.
પારિજાતનું પુષ્પ ખરી પડે ત્યારે તેને પ્રભુને અર્પણ કરાય. એવુંજ એક ભારતીય શાસ્ત્રીય સંગીતને સમર્પિત પુષ્પ, પદ્મવિભૂષણ પંડિત જસરાજનાં રૂપમાં આજે ખરી પડ્યું.
અમુક વ્યક્તિ સાથે ભલેને આપણને સીધો સબંધ ન હોય, પણ તેમની કે તેમની સાથે સંકળાયેલી વસ્તુની આપણને એવી સહજ રીતે આદત પડી જવા પામે કે, જ્યારે એ ન હોય તો જીવનમાં એક અસહજ અધૂરપ વ્યાપી જતી હોય છે.
ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રત્યે મારાં અનહદ, અહર્નિશ અને અસ્ખલિત પ્રેમનો શ્રેય મારી માં ને જાય, એમાં શંકાને સ્થાન નથી.
હું કોલેજમાં ભણતો ત્યારે મારા શહેર વડોદરાના ક્રોસવર્ડ શોપમાં પદ્મભૂષણ ઝાકીર હુસૈનનાં નવા સંગ્રહની સીડી ખરીદવા, માં સાથે જવાનું બન્યું હતું.
મને ત્યારે ભારતીય શાસ્ત્રીય સંગીતના મહાન ઉપાસકો વિષે ખાસ કંઈ માહિતી ન હતી. માં એ મને કહેલું કે પંડિત જસરાજનું પણ કલેક્શન હોય તો જોઈ લેજે.
ત્યારે સૌપ્રથમ વખત, મેં બાપુજીનું (પંડિતજીનું હુલામણું નામ) ' ગોવિંદ દામોદર માધવેતિ ' સાંભળેલું અને માણેલું. પછી તો એમનાં શાસ્ત્રીય અને ભક્તિ સંગીતનો હું કાયલ થઈ ગયો.
એનાં પછી ભારતીય શાસ્ત્રીય સંગીત મારાં જીવનમાં વણાઈ ગયું અને હું એમાં તણાઈ ગયો.
રાની તેરો ચીર જીયો ગોપાલ, કરત શ્રીંગાર મૈયા મન ભાવત, શિવ ધૂન, સુમિરન કરલે મેરે મન, માયી સાવરે રંગ રાચી, માતા માલિકા, રાગ ભૈરવી ને બીજું કેટલું બધું મને પ્રિય છે. તેમની આ રચનાઓના રૂપમાં, તેઓ ચિરકાળ આપણી સાથે રહેશે.
આજની તારીખે મારો દિવસ પંડિતજીના કંઠે ગવાયેલ,
' ગોવિંદ દામોદર માધવેતિ ' , ' શ્રીમધુરાષ્ટકમ ' અને ' ' હનુમાન ચાલીસા ' વિના શક્ય નથી.
તમે કાયમ યાદ રહેશો...ઓમ શાંતિ !
- પંકિલ દેસાઈ