ચુંબક જેમ લોખંડની બનેલી દરેક વસ્તુને પોતાની તરફ આકર્ષે છે તેમ જો આપણે પણ આપણાં તરફ સૌનું ધ્યાન કેન્દ્રિત કરાવવું હોય તો વિચારો અને આચરણ ઉત્તમ બનાવવા પડે. દેખાવથી ઊભું થયેલું આકર્ષણ ચુંબકની જેમ લાંબો સમય ટકી નથી શકતું. જેવો તમારો મેક અપનો રંગ ઊતરશે કે તરત જ એ દેખાવરૂપીચુંબક્નું આકર્ષણ પણ પતી જશે.
જો વિચારો ઉચ્ચ હશે તો ઘણાં બધા લોકો તમારા તરફ આકર્ષણ અનુભવશે. તમારા વિચારોને અનુસરવા લાગશે.
સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. બાબાસાહેબ આંબેડકર અને કેટલાયે મહાનુભાવો એવા થઈ ગયા કે જેમનાં વિચારોરૂપી ચુંબકથી લોકો આજે પણ આકર્ષાય છે.
વિચારો જેમ જેમ ઉચ્ચ થતા જાય છે તેમ તેમ આચરણ પણ ઉચ્ચ બનતું જાય છે. આવા ઉચ્ચ આચરણને લીધે આપણે વંદનીય અને પ્રશંશાપાત્ર બનીએ છીએ. મધર ટેરેસા, સરોજિની નાયડુ, લાલ બહાદુર શાસ્ત્રીજી, મોરારજી દેસાઈ જેવા અનેક મહાનુભાવોને આજે પણ લોકો એમનાં કામથી ઓળખે છે. કાર્ય કરવાની પદ્ધતિ જ એવી હોય કે લોકો આકર્ષાયા વિના ન રહે.
મોટા ભાગના મહાનુભાવોની પાછળ બધા ચુંબકની જેમ આકર્ષાય છે કારણ કે તેમનાં વિચાર અને આચરણ, કાર્યો એવા હોય છે. ક્યારેય કોઈનાં વિશે ખરાબ કરવાનું તો દૂરની વાત છે ખરાબ વિચારવું પણ ન જોઈએ. આપણે જાણીએ જ છીએ કે આપણે જેવું વિચારીએ તેવું જ આપણી સાથે થાય. આ એક કુદરતી ચુંબક છે. કુદરતમાં પણ એક ચુંબક રહેલું છે, જેને લીધે આપણને કુદરતી સૌંદર્ય માણવાનું, કુદરતના ખોળે રહેવાનું વધારે ગમે છે.
અંતે એક જ વાત કહીશ કોઈના ખોટા દેખાડારૂપી ચુંબક તરફ આકર્ષણ અનુભવવા કરતાં યોગ્ય છે કે કોઈનાં સુવિચારો અને સદાચારરૂપી ચુંબક તરફ આકર્ષણ અનુભવીએ.
#ચુંબક