અખબાર (નાંખવા)થી અખબાર (બનાવવા) સુધી!
નરેન્દ્ર મોદીએ બાળપણમાં ચા વેંચી હોવાનો પ્રચાર જ્યારે એની ચરમસીમાએ પહોંચ્યો ત્યારે જ અમને પણ યાદ આવ્યું કે અમે પણ બાળપણમાં છાપા નાંખતા હતાં અને અખબાર નાંખવાથી લઈને અખબાર બનાવવા સુધીની સફર ખેડી છે.
એ સફરમાં શું શું નથી કર્યું!
હું ચપ્પલની દુકાનમાં નોકરી કરતો. રાજકોટ દેવપરા શાકમાર્કેટની આગળની તરફ સિંધી વેપારીની 'ચપ્પલ ચોઈસ' નામની એ દુકાન. ત્યાં માર્કેટમાં શાક લેવા નીકળેલી બાયું ચપ્પલ ન લેવાના હોય તો ય પંદર મિનિટ ટાઈમપાસ કરી જાય.
શો કેસમાં પચાસ ડિઝાઈનના સેન્ડ્સ ગોઠવાયેલા હોય છતાં અડધી સેકન્ડ એના પર નજર મારીને કહે કે, 'આટલા જ છે? કંઈક નવું બતાવો ને...?' એ ખરેખર ઘરેથી અઢીસો રિંગણા અને પાંચસો ગુવાર લેવા નીકળી હોય. એમાં મસાલો ફ્રીમાં લેવાની હોય. પાંચ રુપિયાની પાણીપુરી ખાઈને મસાલાવાળી બે ખાવાની હોય. પણ મારી પાસે મોંઘા સેન્ડ્લ્સની અનેક જોડ ફિંદાવીને પહેરીને ચેક કરે.
પછી તો અનુભવે જોઈને જ ખબર પડી જતું કે કોણ ચપ્પલ લેવા આવ્યું છે અને કોણ પાછળની માર્કેટમાં શાક લેવા? જે ક્ષેત્રમાં હાથ નાંખ્યો ત્યાં મહારથ હાંસલ કરેલી. આમાં પણ આવી ગઈ. અને મારી તો કુંડળીમાં જ લખેલું છે કે સ્ત્રીઓ સાથે વાત કરવામાં નિપુણ... હોવ...
છાપા નાંખ્યા. અમૂલ દૂધની ડિલિવરી પણ કરી. ઈમિટેશન જ્વેલરીનું હેન્ડવર્ક પણ કર્યું. બહુ ડોકિયાં બનાવ્યાં.
પછી તો પ્રોફેશનલ (TPC) કુરિયરમાં નોકરી. કુરિયરની ફ્રેન્ચાઈઝી ચલાવી. (એ સમયગાળામાં કુરિયર પર એક કવિતા લખેલી.) ધો.10 બોર્ડની પરીક્ષા આપી ત્યારે કુરિયરમાં નાઈટની જોબ ચાલુ હતી. રાત્રે નોકરી કરીને સવારે પેપર આપવા જતો. ઈરડાની પરીક્ષા પાસ કરીને એચડીએફસીનો ફાઈનાન્સિયલ એડવાઈઝર બનેલો. શેરખાનમાં લોકોના ડિમેટ એકાઉન્ટ ખોલ્યા વગેરે વગેરે...ઘણું કર્યું... કોઈનું કરી નાંખવા સિવાય જીવનમાં લગભગ બધું જ કર્યું. પછી પેરેલલ લેખન-પત્રકારત્વમાં આવ્યો.
લેખનમાં તમામ અનુભવો કામ આવ્યાં.
અખબાર નાંખવાથી લઈને અખબાર બનાવવા સુધી એ કોઈ સિદ્ધી નથી, પણ એક સફર છે. જે બધાંની હોય છે. હું તો કંઈ જ નથી, પણ દરેક મોટા થયેલા માણસે જીવનમાં કોઈને કોઈ તબક્કે કોઈને કોઈ પ્રકારનો સંઘર્ષ અચૂક કર્યો જ હોય છે. 'વિવિધ ભારતી' પર એક કાર્યક્રમની જાહેરાતમાં સંભળાતો રાજકપુરનો અવાજ મને હજુ યાદ છે કે - 'પિતાજી કહેતે થે... બેટા રાજુ જીતને નીચે સે શુરુ કરોગે ઉતને હી ઊંચે પહોંચોગે. મૈંને ફિલ્મો મૈં શુરુઆત કી ડિરેક્ટર કે ચૌથે આસિસ્ટન્ટ કી હૈસિયત સે.' ડો.આવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામે પણ બાળપણમાં છાપા ક્યાં નહોતા નાંખ્યા? દરેક વ્યક્તિની પોતાની જિંદગી કોઈ વાર્તાથી કમ નથી હોતી. કોઈના જીવનમાં ઘટનાઓ એટલી હોય કે એ વાર્તા નહીં, પણ નવલકથા હોય.
થોડાં દિવસ પહેલાં Bhagyesh V. Jha સાથે યુ ટ્યુબ પર મારા હાસ્યલેખોના પુસ્તકો 'હમ્બો હમ્બો' અને 'હમ્બો હમ્બો Returns' પર અને હાસ્યલેખન પર વાત કરી. પછી Khushi સાથેના લાઈવમાં લાઈફમાં હાસ્યના વિરોધી પાસા પર થોડી વાત કરી.
હવે ઈન્સ્ટાગ્રામ પર સજ્જ એન્કર અને યંગ એન્ડ ડાયનેમિક રાઈટર Shraddha Shah સાથે જીવનની સફરના અન્ય કેટલાક ચેપ્ટર્સ પર વાત કરીશું. મજા આવશે. રસ, સમય અને અનુકુળતા હોય તો અમારી સાથે જોડાવા વિનંતી.