અનોખો ઈશ્વર
=================================
"આજ કાલ કામ ધંધો પણ ઠપ્પ થઈ ગયો છે; કરવું તો શું કરવું?"
"ઘરમાં હવે રાશને ય હાવ તળિયે આવી ગ્યુંછ! "
પત્ની હિરા અને સદાચારી પતિ માધવ હજી માંડ સમજણા થયેલા બે નાદાન ભાઈ - બહેન સાંભળી ન જાય તે રીતે ચિંતા વ્યક્ત કરતાં હતાં.
" આ તે કંઈ કોરોના કે કાળનો કોપ !? કે પછી કાળા માથાવાળા મનેખનાં કુકર્મ પોકાર્યા?"
માધવનાં બોલ હજી મોઢામાં જ હતાં ત્યાં તો અચાનક કમાડની સાંકળ ખખડી; જોયું તો બાળપણનો ભેરુ જમીનદાર ધનસુખ તેનાં બે માણસો સાથે ભરેલા કોથળા લઇને ઊભો હતો.
"અલા ધના... કોઈ દિવસ નંઈ ને આજે...!!"
માધવે આશ્ચર્ય સાથે આવકારતાં કહ્યું.
"હાસ્તો ! આજે જ તો એકબીજાની જરુર છે, લે હેંડ મેં સદાવ્રત રાખ્યાં છે... ને શરુઆત તા'રથી, ગભરાતો નંઈ !" - અને માધવે કાદવિયા ઘરની દિવાલ પર ભગવાનનાં લગાવેલાં ફોટાઓની હારમાળા સામે જોઇને મંદ હાસ્ય સાથે બબડી ઉઠ્યો -
" તા'રા ય રુપો નિરાલા છેને..."
###
રાજેન્દ્રકુમાર એન. વાઘેલા
ભરૂચ.