કાના , આમ તેં એકલા જવાય??
મથુરાને કાજ આમ ગોકુળ છોડી,
દોડી કેમ જવાય, " કાના"?,
"કાન" , આમ તે કંઈ ચાલ્યા જવાય ?
પ્રીતની રીત કેમ ભૂલી જવાય?
સુનો થયો યમુનાનો કિનારો,
અમને તો હતો તમારો જ સહારો,
આમ, નોંધારા મૂકીને ચાલ્યા જવાય?
વહાલી લાગતી માખણ ને મિસરી,
ઘડી ઘડી વાતોમાં ચડતી રીસ,
એ રીસામણા-મનામણા ભૂલી કેમ જવાય?
કદંબની છાયા ને વાંસળીનાં સૂર ,
એની વાંહે તો થતી રાધા ગાંડીતૂર,
આ પ્રીતઘેલીને નિરાશ્રીત કરી કેમ જવાય?
"કાન ", આમ એકલી છોડીને ચાલ્યા કેમ જવાય?
કોને જઈને કહેશે એ હવે દિલની વાતો,
એને તો વીતશે વિરહની અંધારી રાતો,
પ્રેમનો પ્રકાશ પાછો તે કેમ ખેંચાય?
"કાન ", આમ એકલા તેં કેમ જવાય?
રાધાએ રંગી તારા પ્રેમરંગમાં આત્મા,
એને મન તો તું જ પરમાત્મા,
દિલ લઇ , તરછોડી એને, આમ તે કઈ જવાય?
હોઠ છે સ્તબ્ધ પણ આંખોમાં સરવાણી,
હાથ અટક્યો , જે ઉઠ્યો તો ઈચ્છાએ રોકવાની,
એને આમ અધૂરી મૂકી ચાલ્યા તે કેમ જવાય?
તારા વિના નહિ જશે હવે એ યમુનાતીર,
વહે છે હવે તો એની આંખોમાં જ નીર,
" કાના " આસુંડા રોક્યા વિના આગળ તે કેમ વધાય?
દીધું નથી તમે ફરી મળવાનું વચન,
એનો તો સંગાથી હવે માત્ર રૂદન,
આમ, માયા લગાવી શીદ ને જવાય?
આ રાધાને છોડી એકલા તે કેમ જવાય?...
ક્રિષ્ના : ,
મારી આત્મા, મારું હૃદય, અહીં રાખીને હું જાઉં,
સંભાળજે એને હું આવું ન આવું,
દેહ મારો જાય છે તારા વિના રાધા,
નિસ્વાર્થ સ્નેહની હવે મળશે ક્યાં ધારા??