મારા વિશેનો ઘરનો હું મત કળી ગયો'તો,
આવીને છેક દ્વારે પાછો વળી ગયો 'તો.
જ્યારે મને થયો'તો મારો જ સ્પર્શ ત્યારે,
હું થરથરી ગયો'તો, હું ખળભળી ગયો'તો.
ભૂલું પડી ગયું'તું જ્યાં ગામ એક આખું,
બસ એ જ માર્ગમાં હું ખુદને મળી ગયો'તો.
રણમાં ભળી ગયો'તો કયારેક રેત થઇને,
ક્યારેક જળ બનીને જળમાં ભળી ગયો'તો.
ચઢતો જ હું રહ્યો'તો કપરા ચઢાવ કાયમ,
આસાન ઢાળ જોઈ હું ક્યાં ઢળી ગયો'તો!
-હર્ષદ સોલંકી