અચાનક મોબાઈલ રણકવા માંડ્યો. અડધી રાત્રે શું થયું હશે તેની કલ્પના માત્રથી શરીર પરસેવાથી રેબઝેબ થઇ ગયું. મોબાઈલ ઓન કરવાનું બટન પણ જાણે ભુલાઈ ગયું તેમ છતાં યેનકેન વાત શરુ થઇ.
" મોટાભાઈ સાંભળો છો કે? "
" હા સાંભળું છું.. પણ આમ અડધી રાત્રે.. બધું બરાબર છે ને? "
" બાપુજીની તબિયત અચાનક બગડી છે. 108 બોલાવી છે. તમે બારોબાર હોસ્પિટલ પહોંચી જજો. ચિન્તા કરવા જેવું લાગતું તો નથી "
મોબાઈલ બંધ થયો. પણ મન માનતું ન હતું. બાપુજીનું સ્વાસ્થ્ય તો સારૂ રહેતું. મારી તો જાણમાં પણ નથી કે તેઓ કદી દવાખાને ગયા હોય અને આજે અચાનક... મનમાં ને મનમાં ગભરાટ થવા માંડ્યો. પગ ધ્રુજવા લાગ્યા. જેમ તેમ મન પર કાબુ મેળવી, તૈયાર થઇ જે કાંઈ પૈસા હતા તે લઇ હોસ્પિટલ જવા રવાના થયો. હું પહોંચું તે પહેલા બાપુજીને આઇસીયુમાં દાખલ કરી સારવાર ચાલુ કરી દેવામાં આવેલ. ડૉક્ટરના કહેવા મુજબ હળવો એટેક પાસ થઇ ગયેલો પણ ભગવાનની મહેરબાનીથી બાપુજી કુશળ હતા. ડોક્ટરની સલાહ મુજબ બાપુજીએ થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું પડવાનું હતું. એ દિવસે તો બાપુજીને ના મળાયું. બાપુજી આગળ એકથી વધારે માણસથી રહેવાઈ એમ ન હોઈ, દુઃખી મને ઘરે આવી સુવાનો પ્રયત્ન કર્યો પણ વ્યર્થ. મન ચકરાવે ચડી ગયું. બાપુજીને શેની ચિંતા હશે, શું તેઓને કોઈ ઠેસ પહોંચી હશે, એવા વિચારોથી મન દુઃખી થઇ ગયું.
બીજે દિવસે સાંજે દર્દીને મળવાના સમયે, જરૂર પડ્યે રહેવાની તૈયારી સાથે, હોસ્પિટલ પહોંચી ગયો. માસ્ક પહેરી આઇસીયુમાં દાખલ થયો. બાપુજી ઘોર નિંદ્રામાં હતા. જુદા જુદા યંત્રોના અવાજથી વાતાવરણ કંઈક જુદુંજ લાગ્યું. બાપુજીનો હાથ મારા હાથમાં લઇ તેઓના ચહેરા સામે એક ટગર જોવા માંડ્યો. આજે પણ કેટલો તપસ્વી ચહેરો છે. બાના અવસાન પછી બાપુજી ભાંગી પડશે, પણ નહીં.. તેમની ઇચ્છાશક્તિ એટલી મજબૂત હતી. જુના દિવસો યાદ આવ્યાં. બહોળો પરિવાર, સીમિત આવક છતાં બાપુજીએ કોઈ દિવસ ફરિયાદનો મોકો આપ્યો ન હતો. એમના વિશાળપણા હેઠળ હું તો સાવ વામણો હતો. મારી આંખો ભીની થઇ ગઈ...
મુલાકાત સમય પૂરો થયો. તે દિવસે વહેલા ઘરે જવાની ઈચ્છા ન થઇ. પ્રતીક્ષાખંડમાં બાજુમાં જ હતો. અન્ય દર્દીઓના સગા વહાલા પણ હતા. આઠથી દશ માણસો એક ઓરડામાં.. પણ એક બીજાથી દૂર... શાંત પણ ગમગીન વાતાવરણ...
કોઈ મોબાઈલમાં વ્યસ્ત, કોઈ વાતમાં. ખૂણામાં પીઠ ફેરવી ચોરી છુપી ખાવામાં વ્યસ્ત, કોઈ પર્સમાંથી કાઢીને બંધ મોઢે ખાવામાં વ્યસ્ત... બધાજ પોતાનામાં મસ્ત... વહેવાર પૂરતો પણ આગ્રહ નહીં... જોઈને મન દુઃખી થઇ ગયું.. હું પણ સીંગ ચણાનું નાનું પેકેટ સાથે લઇ ગયો હતો. ખોલવાનું મન ન થયું. પણ વિચાર આવ્યો કોઈકે તો શરૂઆત કરવી પડશે ને.... પેકેટ ખોલ્યું... મારી બાજુમાં બેસેલા ભાઈને ઓફર કરી, આનાકાની કરી પણ છેવટે માની ગયા. મેઁ કહ્યું બાજુમાં આપો અને ફેરવો... જોતજોતાંમાં પેકેટ પૂરું થઇ ગયું. મારા ભાગે કાંઈ ના આવ્યું પણ ગજબનો આનંદ થયો.. વહેચીંને ખાવામાં...
બીજા દિવસે, એજ સમયે પ્રતીક્ષાખંડમાં...
જેવો દાખલ થયો કે આવો આવો કહી મને બેસવાની જગ્યા આપી. " ઠંડુ પાણી છે, પિશોને"
ના કહી ન શક્યો... એટલામાં જ ફરતું ફરતું બિસ્કિટનું પેકેટ આવ્યું... તેને પણ ન્યાય આપવો પડ્યો. એક સફરજનના નાના નાના કટકા, કેળાના પણ ટુકડા, ચોકલેટ, પોપકોર્ન, કોલ્ડડ્રિંક્સ...
તે દિવસે કોઈ ચહેરો સંતાડતું ન હતું, કોઈ ચોરી છુપી ખાતું ન હતું...બધાએ વહેંચીને ખાધું... ન જાણે કેમ એક અલૌકિક આનંદની અનુભૂતિ થઇ.
#શરૂઆત