હેપી બર્થ ડે માં!
'રમેશ...... તે કેક તો ઓર્ડર કરી દીધી છે ને? અને હા ચોકલેટ કેક જ હો ! ખબર છે ને ટોમીને ચોકલેટ કેક કેટલી ભાવે છે!' ડોલી ફુગ્ગા ફુલાવતા ફુલાવતાં બોલી. આજે ત્રણેયના મનમાં આનંદ કેમેય કરી ને સમાતો ન હતો. અરે હોય જ ને આટલો આનંદ જ્યારે સૌના પ્રિય ટોમી નો બર્થ ડે હોય તો! બંટીએ તો આજે સ્કૂલે પણ રજા રાખી દીધી હતી અને ટોમીને પાર્ટી માટે તૈયાર કરવામાં જ મશગુલ હતો. રમેશ પણ ટોમીની બર્થ ડે પાર્ટી માટે ઑફિસેથી વહેલો આવી ગયો. મહેમાન પણ બધા આવી ગયા ને ટોમી કેક કાપવા જતો જ હતો ત્યાં રમેશનો ફોન વાગ્યો ' હેલ્લો બેટા! તારા ટોમીને જન્મદિવસ મુબારક અને જાજા કરીને મારા આશીર્વાદ ' બસ આટલું બોલીને વૃદ્ધાશ્રમમાંથી ફોન કપાય ગયો. રમેશને યાદ આવ્યું આજેં મમ્મીનો જન્મદિવસ પણ હતો. પણ શું થાય હવે ટોમી તો ક્યારનો કેક ચાંટવા લાગ્યો હતો!
- યોગિત બાબરિયા