Gujarati Quote in Motivational by અંશતઃ. ગોસાઇ ભરતવન

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજના બર્થડે સર્જક : *દેવજી મોઢા*
8/5/2020


પરિચય*
દેવજી રામજી મોઢા, ‘શિરીષ’
(૮-૫-૧૯૧૩, ૨૧-૧૧-૧૯૮૭)

કવિ. જન્મ પોરબંદરમાં. ૧૯૩૦માં મેટ્રિક. ૧૯૪૪માં મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન ડી.જે. સિંધ કૉલેજમાંથી એમ.એ. પાકિસ્તાનનું સર્જન થયા બાદ ૧૯૪૮માં વતન પોરબંદર આવી નવી શાળા નવયુગ વિદ્યાલયમાં આચાર્યપદે નિયુક્તિ પામ્યા. ૧૯૬૩માં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ. ૧૯૭૭માં ત્યાંથી જ નિવૃત્ત.
તળપદી સરલતાના સ્પર્શવાળી એમની સહજ અને ભાવનિષ્ઠ બાની એમની કવિતામાં પરિણામગામી બની છે. ગીતો અને મુક્તકોમાં એમનો કલાવિશેષ જોવાય છે.

એક રચના ***

આજ તો એવું થાય :
વનરાવનને મારગ મને માધવ મળી જાય !

સેંથડે મેં તો સિંદૂર પૂર્યાં, આંખમાં આંજી મેશ,
સોળ સજ્યા શણગાર મેં અંગે, નવલા ધર્યા વેશ;
ઓરતો મને એક જ હવે અંતર રહી જાય :
વનરાવનને મારગ મને…..

મોતી ભરેલી હીર-ઈંઢોણી, મહીનું માથે માટ,
રોજની ટૂંકી આજ મને કાં લાગતી લાંબી વાટ ?
વેચવા જઉં મહીડાં, મારા થંભતા જતા પાય :
વનરાવનને મારગ મને…..

બેય બાજુથી ઝાડ ઝૂકીને કરતાં ચામર-ઢોળ,
ઉરમાં વ્યાપ્યો આજ અજંપો, ચિત્ત ચડ્યું ચકડોળ;
ખખડે સૂકાં પાન-શું એમાં વાંસળી કોઈ વાય ?
વનરાવનને મારગ મને…..

અણુ અણુમાં ઝંખના જાગી, લાગી એક જ લેહ,
ચિત્તનું ચાતક ચાહતું કેવળ મોંઘો માધવ-મેહ;
પ્રાણ-પપીહો ‘પિયુ પિયુ’નું ગીત પુકારી ગાય !
વનરાવનને મારગ મને……

નેણ ભરીને નીરખ્યા કરું, સાંભળ્યા કરું સૂર,
ઊડીએ એવું ગગન જે હો જગથી ઝાઝું દૂર;
જહીં ન ઓલ્યો વિરહ કેરો વાયરો પછી વાય:
વનરાવનને મારગ મને માધવ મળી જાય !
આજ તો એવું થાય….
દેવજી મોઢા
(સાભાર :ગુજરાતી સાહિત્ય પરિષદ)

સાદર સ્મરણ વંદના
🌹🌹🌹🌹

Happy birthday
Devji modha
8/5/2020

Gujarati Motivational by અંશતઃ. ગોસાઇ ભરતવન : 111426342
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now