SEE BEST VASTU TIPS FOR SLEEPING
ઋષિ નામ ધરાવતા ભોગી હોય અને સંત નામધારી શેતાન હોય ત્યારે અજવાશથી અંધકાર તરફ જવાની પ્રતીતિ થાય છે. આવા સમયે સત્યને પામવા જરૂરી છે હકારાત્મક ઊર્જાની, જે મળે છે વાસ્તુ નિયમોથી.આજે આપણે જાણીએ નયનાબહેનના મકાનને. મૂળ ચાર દિશાઓથી મકાન ૪૫ અંશના ખૂણા પર આવેલું છે. ઘરનો આકાર લંબચોરસ છે અને ઘરમાં વિવિધ જગ્યાએ પિરામિડ લગાવવામાં આવેલાં છે, પરંતુ પરિસ્થિતિ યથાવત્ છે. આના કારણમાં પ્રથમ તો ઘરનો દરવાજો નૈઋત્યમુખી છે. ઘરની લંબાઇ પહોળાઇનો ગુણોત્તર પણ વધારે છે તેથી વિવિધ સમસ્યાઓ ઘર કરેલી રહે. પશ્ચિમમાં બેઠકરૂમ છે.
કઈ દિશામાં માથુ રાખીને સૂવું -
પૂર્વ અગ્નિ તરફ માથું રાખીને સૂવાની વ્યવસ્થા છે. જો વડીલ આ જગ્યાએ રહેતા હોય તો આ વ્યવસ્થા સારી ગણાય. વાયવ્યમાં ઘણા બધા લોકોને સૂવાની વ્યવસ્થા છે જેમાં અગ્નિ નૈઋત્ય અને ઇશાન તરફ માથું રાખવાની વ્યવસ્થા છે. નૈઋત્ય તરફ માથું રાખીને સૂવાથી ખરાબ વિચારો વધે છે. ઉપરાંત આ જગ્યાએ રહેવાવાળી વ્યક્તિઓને વિચારો વધારે આવે. ઠરીઠામ થઇને રહેવાનું ફાવે નહીં તેવું પણ બને.
સ્ત્રી માટે કઈ દિશા કેવી -
ઉત્તરથી ઇશાનની વચ્ચે રસોઇઘર આવેલું છે. જેમાં રસોઇની દિશા યોગ્ય છે પરંતુ ઇશાનમાં પીપના લીધે માનસિક તણાવ રહે. બરાબર બાજુના રૂમમાં પણ ઇશાનમાં પીપ આવેલાં છે. તેથી હૃદય, મનને શાંતિ ન રહે. મંદિર પૂર્વમાં આવેલું છે તેના બદલે તે ઇશાનમાં હોય તો વધારે સારું ફળ આપે. નયનાબહેનના જણાવ્યા મુજબ અત્યારે આ જગ્યાએ સ્ટોરેજ છે જે યોગ્ય ન ગણાય. આ જ જગ્યાએ ગાદલાનું કબાટ પણ છે તેથી તકલીફો વધે. ક્યારેક જીભ પરનો કાબૂ ન રહે તેવા સંજોગો પણ ઊભા થઇ શકે. અગ્નિમુખી પૂજા પણ સ્ત્રીને થોડી સ્વાર્થવૃત્તિ આપે છે. તેથી આની શક્યતા વધી શકે. બરાબર અગ્નિમાં સંડાસ બાથરૂમ આવેલાં છે. જે સ્ત્રીને તન, મનથી સંતૃપ્ત ન થવા દે.
વળી પેટની અંદરના કોઇ અવયવની બીમારી આવી પડે. દક્ષિણ અગ્નિમાં અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી આ સમસ્યામાં વધારો કરે છે. તે ઉપરાંત તે ઘરની બે વિજાતીય વ્યક્તિઓને શરીર અથવા મનથી છુટા કરવામાં મદદ કરે છે. દાદરો દક્ષિણથી અગ્નિ તરફનો છે જે સાંધાના દુખાવાનો કારક બની શકે. યાતો કાન, નાક, દાંત યા આંખને લગતી સમસ્યા આવી શકે.
ઉપાય –
આ બધી સમસ્યાના નિવારણ માટે સૂચન પછીના નકશામાં દર્શાવ્યા મુજબની રચના કરીને ઘરના મુખ્ય દ્વારા પર બહારની બાજુએ શ્યામવર્ણ ગણેશ તથા બેઠેલા ગૌરવર્ણ ગણેશ અંદરની તરફ લગાવ્યા બાદ ઘરમાં ગૂગળ, ચંદનનો ધૂપ કરવો જરૂરી છે. સંડાસના દરવાજા પર ચાંદીનો તાર લગાવવા ઉપરાંત પાણિયારા પર ઊભી વાટનો ઘીનો દીવો સવાર-સાંજ કરવો જરૂરી છે. દર ગુરુવારે ઉંબરો પૂજી મુખ્ય દ્વાર પર આંબાનાં પાનનું તોરણ લગાવવું. (ત્રણ પાનનાં ઝૂમખાવાળું) દર ગુરુવારે પીપળાના પાન પર ખીર ધરાવવી અને ઘરની મુખ્ય સ્ત્રીએ પ્રસાદ તરીકે લેવી ત્યારબાદ અન્ય સદસ્યોને આપવી.
શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, દહીંમાં કાળા તલ, ચોખા, ગુલાબજળ, શેરડીના રસથી અભિષેક કરવો. ગાયત્રી મંત્ર કરવા, ત્યારબાદ પાંચ મંત્ર મહામૃત્યુંજયના કરવા. સુદ એકમે કીડિયારું પૂરવું. વડીલોને માન-સન્માન આપવું. ગુરુવારે દત્તબાવનીના પાઠ કરી પીળી રાંધેલી વસ્તુનું દાન કરવું. નામનો મહિમા ભલે ઊભો ન થાય પણ નામ કાયમ રહી જાય તે માટે જરૂરી છે હકારાત્મક ઊર્જા જે મળે છે વાસ્તુ નિયમોથી.