#સફળતાના નિયમો શીખવાડતું ઢોકળીનું શાક
આજે ઘણા સમય પછી ઢોકળીનું શાક બનાવ્યું, આમતો કુકીંગનો જબરો શોખ પણ મારું બેટું ઢોકળી બનાવતા બેટરને સતત ચલાવવાનો કંટાળો આવે 😄, પણ આજે તો મન થ્યું કે બનાવવું જ છે. પેલું કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય. આજે ઢોકળીનું શાક બનાવતા વિચાર આવ્યો કે ઢોકળીનું શાક પરફેક્ટ રીતે બનાવવા માટે જે નિયમો અનુસવા પડે છે, એ જ નિયમો કોઈપણ કામને સફળતાપૂર્વક પાર પાડવા માટેના નિયમો પણ છે. જેમ કે, ઢોકળીના શાક માટે સૌથી પહેલા તો લોટ અને છાશનું પરફેક્ટ માપ હોવું જરૂરી છે, જો એ બરાબર ન હોય તો તમારી બધી મહેનત વ્યર્થ છે. એ જ રીતે કોઈપણ કાર્ય માટે સૌથી પહેલા તો તમારા પ્રયત્નો પરફેક્ટ આયોજન પૂર્વકના હોવા જોઈએ. આયોજન વગરની વધુ પડતી મહેનત પણ ક્યારેક નિષ્ફળતાનું કારણ બનતી હોય છે.
ત્યારપછી ઢોકળી માટેનું જે બેટર તૈયાર કર્યું હોય ને એને સતત ચલાવતા રહેવું પડે નહીંતર એમાં ગઠ્ઠા પડી જાય.એ જ રીતે તમારા પ્રયત્નોમાં સાતત્ય હોવું જોઈએ. આપણે ક્યારેક પ્રયત્નો આયોજનપૂર્વકના કર્યા હોય પણ એમાં સાતત્ય ન જાળવી શકીએ તો એ પ્રયત્નો વ્યર્થ જાય.
અને ગેસની ફ્લેમ પણ મીડીયમ અથવા ધીમી જ રાખી શકો વધુ ફ્લેમ પર સતત ચલાવો તો પણ ગઠ્ઠા પડી જાય. એ જ રીતે ધીરજ વગરના સતત પ્રયત્નો પણ ક્યારેક નિષ્ફળતાનું કારણ બનતા હોય છે. ગેસની ફ્લેમની જેમ ધીરજ ખૂબ મહત્વની છે.
અને સૌથી છેલ્લી પણ મહત્વની બાબત કે ઢોકળીનું બેટર પરફેક્ટલી રંધાઈ ગયું છે કે નહીં તે જોવું, જો એ પરફેક્ટ ટાઇમિંગ પહેલા બેટર ને થાળીમાં પાથરો તો ઢોકળી કાચી બને.
એ જ રીતે ઘણી વખત આપણે સફળતાની ખૂબ નજીક હોઈએ પણ થાકી જઈને પ્રયત્નો છોડી દેતા હોઈએ છીએ, અને પરિણામે નિષ્ફળતા મળતી હોય છે.
આમ, આયોજનપૂર્વકના, પરફેક્ટ અને ધીરજપૂર્વકના સતત પ્રયત્નો માત્ર ઢોકળીનું શાક જ નહીં કોઈપણ કાર્યને સફળતાપૂર્વક પાર પાડી શકવા સમર્થ છે, ત્યારપછી શાક બધાને ભાવે કે નહીં અને સફળ થવાય કે નહીં એ આપણું કર્મફળ, જે ભોગવવું જ પડે.
ઢોકળીનું શાક હોય કે કોઈપણ કાર્ય એકવારમાં સફળતા ના મળે તો પ્રેક્ટિસ મેક્સ યુ પરફેક્ટ. બસ પ્રયત્નો કરતા રહો. અને હા મન હોય તો માળવે જવાય 😄....🖊જાગૃતિ તન્ના "જાનકી"