Navaratri Puja and about various Stuff like coconut, Jasud and Kalash
કેમ માની પૂજામાં અચૂક વપરાય છે નારિયેળ, કળશ અને જાસૂદ, જાણો તેના ફાયદા
નવરાત્રીમાં મા ભગવતીની પૂજામાં કેટલીક સામગ્રીનું ખાસ મહત્વ છે. પૂજામાં વપરાતી દરેક સામગ્રી પાછળ એક કારણ હોય છે. શાસ્ત્રો અનુસાર નવરાત્રીમાં તન-મનની શુદ્ધિ માટે પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી માની આરાધના કરવી જોઇએ, જેનાથી બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે.
કળશ: શાસ્ત્રો અનુસાર કળશ સુખ-સમૃદ્ધિ, વૈભવ અને મંગળ કામનાઓનું પ્રતિક ગણાય છે. કળશમાં બધાજ ગ્રહો, નક્ષત્રો અને તીર્થોનો વાસ હોય છે. માટે પૂજામાં તેનું સૌથી વધુ મહત્વ છે. કળશમાં બ્રહ્મા, વિષ્ણુ, રૂદ્ર, નદીઓ, સાગર, સરોવર અને 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ હોય છે, વિધિ-વિધાનથી તેનું પૂજન કરવાથી દેવી-દેવતાઓના પૂજન જેટલું ફળ મળે છે.
જવારા: નવરાત્રીમાં જવ સમૃદ્ધિ, શાંતિ, ઉન્નતિ અને ખુશહાલીનું પ્રતિક ગણાય છે. જેટલા સારા જવારા ઊગે છે, ભવિષ્યમાં એટલું જ સારું ફળ મળે છે. જવારા ખૂબજ ઝડપી વિકાસ પામે તો, સુખ-સમૃદ્ધિ પણ ખૂબજ ઝડપથી મળે છે. જવારા સૂકાયેલા રહે તો તે, અમંગળ ઘટનાઓનો સંકેત આપે છે.
દીવો: નવરાત્રીમાં શુદ્ધ દેશી ઘીનો અખંડ દીવો કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેનાથી જીવનનો અંધકાર નાશ પામે છે.
નારિયેળ: નવરાત્રી પૂજામાં કળશની ઉપર નારિયેળ પર લાલ કપડું અને નારાસડી વીંટવી જોઇએ. તેનાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. માં દુર્ગા સમક્ષ નારિયેળ ફોડવાથી અહંકારનો નાશ થાય છે.
તોરણ: પ્રાચીન કાળથી એમ માનવામાં આવે છે કે, પૂજા-અનુષ્ઠાન સમયે ઘરના મુખ્ય દરવાજે આંબા કે આસોપાલવના પાનનું તોરણ બાંધવું જોઇએ. તેનાથી ઘરમાં તામસિક શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી.
જાસુદનું ફૂલ: પ્રાચીન માન્યતાઓ અનુસાર દેવી માને જાસુદનું ફૂલ અર્પિત કરવાથી બધી જ માનોકામનાઓ પૂર્ણ થાય છે.