હાલ આખું વિશ્વ "કોરોના વાયરસ" ના પ્રકોપ હેઠળ છે અને વિશ્વના 160 દેશો આ વાયરસથી પ્રભાવિત થયાં છે. Who એ આ રોગને મહામારી જાહેર કરેલ છે. રોજ હજારોની સંખ્યામાં લોકો આ વાયરસના ભોગ બની રહ્યાં છે. આવા સમયમાં પોતાની જાતને અન્ય જીવો કરતા મહાન અને બુદ્ધિશાળી સમજીને ફાકા મારતો માનવી લાચાર અને નિઃસહાય બની આંખો સામે સ્વજનોને મરતા જોઇ રહ્યો છે અને મૃત્યુના ભયથી પોતે જ પોતાની જાતને ઘરમાં કેદ કરી દીધી છે! મગજ અને શરીર વગરના એક અતિ સુક્ષ્મ વાયરસ આગળ ટેકનોલોજી અને મેડીકલ સાયન્સ લાચાર છે. હજી પણ સમય છે માણસ બનવાનો સુધરી જાવ.
આ બ્રહ્માંડમાં હજારો જીવો પોતાનું અસ્તિત્વ અને સ્થાન લઇને બેઠા છે ને જીવી રહ્યાં છે. પરંતું માનવી નામનો જીવ પોતાની બુદ્ધિ અને કુદરતે આપેલ યુનિક શરીર રચનાના કારણે બીજા જીવોની જિંદગીમાં દખલ કરી રહ્યો છે. એનું પરિણામ સમયાંતરે એને ભોગવવું જ પડે છે. જાનવરે હજારો વર્ષોથી પોતાની કુદરતી જીવનશૈલી અને પ્રકૃતિ બદલી નથી, સિંહ ભૂખે મરી જાય પરંતું ઘાસ ખાતો નથી. જ્યારે માણસે કોઈ પ્રાણી આરોગવાનું બાકી મૂક્યું નથી, અરે! ઝેરી જાનવર પણ બાકી મુક્યા નથી! સ્વાર્થી મનુષ્યેએ એમનાં રહેઠાણો પણ છીનવી લીધાં છે! જાનવર આપણી હદમાં નથી આવ્યાં આપણે એમની હદમાં ઘુસણખોરી કરી છે!! વાયરસ હજારો વર્ષોથી જાનવરમાં પોતાનું અસ્તિત્વ લઇને બેઠા જ છે. પરંતું માણસ જ્યારથી જાનવરના ઘરોમાં ઘૂસ્યો ત્યારથી એ વાયરસોએ આપણાં શરીર પર હુમલો કર્યો... કારણ કે આપણે સીમા ઓરંગી ગયા!
ખેર, દુઃખ એ વાતનું છે કે ચારેકોર લોકો મરી રહ્યાં હોય ત્યારે પણ મનુષ્ય પોતાનો સ્વાર્થ છોડવા તૈયાર નથી. મોતનો પણ ધન્ધો કરી લે છે. જીવનરક્ષક દવાઓ અને જરૂરી સામાન બનાવતી ફેક્ટરીના માલિકો મોત ઉપર પણ નાગની જેમ ફેણ મારીને બેઠા છે!! વેપારીઓ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના બેફામ પૈસા લૂંટી રહ્યાં છે! મોટા મોટા મંદિરો, મસ્જિદો, ચર્ચ જેવી ધાર્મિક સંસ્થા અને લાખો ધર્મગુરુઓ વર્ષોથી કમાય છે તો આવા સમયે એમના ભક્તો માટે દાન કરે, પૈસા ખર્ચે એવી નૈતિક ફરજ બને કે નહીં? મોટી મોટી સેલિબ્રિટી ઓ ક્યા ભૂગર્ભમાં ભરાય ગયા છે? પશ્ચિમની સંસ્કૃતિને કાયમ ગાળો ભાંડતા હોઇએ છીએ પણ આપણાં કરતા સો ગણી સ્વયંશિસ્ત એમનામાં છે. કેટલીક સેલિબ્રિટીઓએ પોતાની તિજોરી ખુલ્લી મુકી દીધી છે! દા.ત. સ્ટાર ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ પોતાની હોટલને હોસ્પિટલમાં ફેરવી દીધી છે!
કુદરત રસ્તો ભૂલેલા, કામ, ક્રોધ, મદ, મોહ, ઈર્ષ્યાની માનસિકતાથી ગ્રસિત મનુષ્યને કુદરતી જીવન તરફ લઇ જવા માટે અવાર નવાર આવા પ્રકોપ દ્રારા ભાન કરાવતી રહેતી હોય છે , છતાં પણ મનુષ્ય એટલો મોહ ગ્રસિત ને અંધ બન્યો છે કે એને પોતાના સ્વાર્થ અને અસ્તિત્વ સિવાય કાંઇ દેખાતું નથી! પોતાની જાતને શ્રેષ્ઠ સમજતો માનવી કેટલો સ્વકેન્દ્રી, સ્વાર્થી અને નિમ્ન કક્ષાએ પહોચી ગયો છે!
શબ્દ અને વિચાર..
©નીતુનીતા(નિતા પટેલ)