સપના સાથે જોયા હતા ચંદ્રની સફરના,
પણ ઋણ ચૂકવવાના બાકી હતા વતનના.
કેસરની ક્યારી મને લાગી છે અગાશી,
તું આવે ચંદ્રમાં, વાદળ ઓઠે જાય નાસી.
પ્યાલા અધૂરા રહી ગયા પીવાના અધરના...
હતા હું, તું અને પુરી ખીલેલી રાત સામે,
અત્યારે છે નયનમાં પહેલી મુલાકાત સામે.
તારો સંદેશો આપી રહ્યા છે વાદળ ગગનના...
ગોળીઓનો અવાજ મને નૂપુર લાગી રહ્યો,
દેશ કાજે જીત્યો, તારા પ્રેમ સામે હારી રહ્યો.
શ્વાસ અંતિમ છે, દેખાય ચિત્રો તારા વદનના...
જા વચન આપું છું, આવતા જન્મે મળીશું,
ચંદ્રની ધરા પર હાથમાં હાથ લઈને ફરીશુ.
આ મનોજ પુરા કરશે પ્રણય પુષ્પો ચમનના...
મનોજ સંતોકી માનસ