ઘણી વખત હસવા જેવી વાત પર હસવું ના આવે ( ક્યારેક એમ થાય કે આ હસવા જેવી વાતો એટલે કેવી વાત? 🤭....જોકે એ બધાંના મતે અલગ જ હોવાની ) પણ સાવ નકામી ને વેવલી વાતો પર આપણે પેટ પકડીને અને પેટમાં દુઃખવા માંડે ત્યાં સુધી હસતા હોઈએ છીએ 😄 અને ગમે એટલું હસવું રોકવાનો પ્રયત્ન કરો તો પણ કમાનમાંથી છૂટેલા તીરની જેમ રોકી ન શકાય. આ હસવું રોકવાની વાત પરથી સ્કૂલ કોલેજ યાદ આવી જ ગ્યા હશે?😄 ત્યારે સર ટીચર ચાલુ ક્લાસે હસતા જોઈ જાય એટલે એમ જ કહે કે આટલું બધું શેનું હસવું આવે છે? અમને ક્યો તો અમે પણ હસીએ અને ત્યારે આપણે કહેવા કરતા ચુપ રહેવાનો વિકલ્પ જ પસંદ કરવો પડે 😄. આપણી જિંદગીમાં એવી ક્ષણો બહુ ઓછી હોય છે, જેમાં આપણે ખુલ્લા મને ખડખડાટ હસ્યા હોઈએ એ ક્ષણો આપણી જિંદગીની કદાચ સૌથી યાદગાર કે સૌથી સુંદર ક્ષણોની કેટેગરીમાં ન પણ આવતી હોય કે ન તો કેમેરામાં કેદ થઈ હોય પણ એ આપણી જિંદગીની એવી ક્ષણો હોય છે જે સૌથી જીવંત હોય છે. જેને તમે કદાચ ફરી ક્યારેક ન જીવી શકો પણ જેટલી એ સમયે જીવ્યા હોવ છો એ સૌથી શ્રેષ્ઠ હોય છે....🖊જાગૃતિ તન્ના "જાનકી"