"ઝંખના.". (શબ્દ સંખ્યા 100)
=====
સંવેદનાની પ્રસવ પીડા વધી ગઈ,
“બાબો આવશે તો સંયમ નામ રાખીશું.”
જવાબમાં સંવેદનાએ
“બેબી આવશે તો ખેવના રાખીશું.”
સંવેદનાને શબ્દ સાથે થયેલ સંવાદ યાદ આવી ગયો.
શબ્દની એ વાત યાદ આવતા સંવેદનાના શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું.
સંવેદનાની ચીસો સાંભળીને પડોશમાં રહેતી દયા અને જિજ્ઞાસા પણ દોડી આવી.
બંને સખીઓની મદદથી સંવેદનાએ સુંદર બેબીને જન્મ આપ્યો.
સંવેદના ખેવનાને સ્તનપાન કરાવી રહી હતી ત્યારે તે અનિમેષ દરવાજા તરફ જોઈ રહી.
દયા અને જિજ્ઞાસા બાજુમાં બેઠી હોવા છતાં આજે સંવેદના એકલી હોય એવી અનુભૂતિ કરી રહી હતી.
શબ્દએ દરવાજો ખોલ્યો,
ચાર સ્ત્રીઓને જોઈ નિઃશબ્દ થઈ ગયો.
સંવેદનાની વેદનામાં ઝંખના ઉપસી આવી.
-નીલેશ મુરાણી..
#પતંગ