જીવનમાં સોળ પ્રકારના સંસ્કારોમાં મુખ્ય અંતિમ સંસ્કાર, અંત્યેષ્ઠિ ક્રિયા સંસ્કાર છે.મૃત્યુ પછી શબને અગ્નિ પ્રદાન કરવા તેની દાહ ક્રિયા સંપન્ન કરવામાં આવે છે. હિંદૂ શાસ્ત્ર પ્રમાણે દશગાત્ર- વિધાન, ષોડશ શ્રાદ્ધ, સપિંડીકરણ જેવી ક્રિયાઓ પણ આ અંતર્ગત આવે છે. માનવી બે પ્રકારના શરીરમાં જીવે છે. એક સૂક્ષ્મ શરીર અને બીજૂ સ્થૂળ શરીર. સ્થૂળ શરીરને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, સૂક્ષ્મ શરીરને કેવળ અનુભવી શકીએ છીએ. મનુષ્યનું સૂક્ષ્મ શરીર 17 પદાર્થો – 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 પ્રાણવાયુ મન અને બુદ્ધિને લઈને સ્થૂળ શરીરમાં પ્રવેશ કરે છે. અને મૃત્યુ પછી આ જ સત્તર પદાર્થોને લઈને જીવ સ્થૂળ શરીરમાંથી નિકળી જાય છે.
જીવ સ્થૂળ શરીરમાંથી નિકળી જાય છે ત્યારે તે સૂક્ષ્મ શરીરની રક્ષા માટે એક આભાસી શરીર ધારણ કરી લે છે. તેના થકી જીવ ગતિને પ્રાપ્ત કરે છે. સૂક્ષ્મ શરીરથી નિકળતા જ તત્કાળ તે આભાસી શરીર ધારણ કરી લે છે. તે સ્થૂળ શરીરની સરખામણીમાં હલ્કું હોય છે. કારણકે સ્થૂળ શરીરમાં વધું સમય નિવાસ કરવાના કારણે શરીર સાથે તે અનુરાગથી બંધાઈ જાય છે. તેથી તે વારે વારે આભાસી વાયુ પ્રધાન શરીર દ્વારા તે પૂર્વ શરીરનો દેખાવ ધારણ કરી લે છે. સામાન્ય રીતે વ્યક્તિ પોતાની યુવાનીનું રૂપ ધારણ કરી લેતી હોવાનું જોવા મળે છે. આ આભાસી વાયૂપ્રધાન શરીરમાંથી મુક્તિ મેળવવા માટે દશગાત્રાદિ શ્રાદ્ધ ક્રિયાઓ શાસ્ત્રમાં વર્ણવામાં આવી છે.
મૃત આત્માની ઈચ્છા, વાસના ધરતીમાં ધરબાયેલા, સડતા શરીર પર ન જાય તે માટે જીવની મુક્તિ થઈ જાય તે માટે મૃત્યુ પછી શરીરના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે છે. પછી મૃત વ્યક્તિનો સંબંધ પૂર્વ શરીર સાથેથી તૂટી જાય છે. તે પછી શ્રાદ્ધ ક્રિયાઓથી તૃપ્ત થઈને તે પ્રેત શરીરને છોડી દે છે.
શબને સ્નાન કરાવવું, પુષ્પ વેરવા, માળા પહેરાવવી, શાલ ઓઢાડવી, શબયાત્રામાં જોડાવું તે શ્રદ્ધાનું સૂચક છે. ચિતામાં નારિયેળ, ચંદન, દેશી ધી, શુદ્ધ કેસર, સુવર્ણ જેવો પ્રયોગ કરવા પાછળ પ્રદૂષણથી બચવા માટે કરવામાં આવે છે. આમછતાં મંત્રોચ્ચારની સાથે અંતિમસંસ્કાર આત્માની શાંતિ માટે કરવામાં આવે છે.
દાહ દેતી સમયે મૃતકનું માથુ ઉત્તર તરફ અને પગ દક્ષિણ દિશામાં રાખવાનું વિધાન છે. ચિતામાં અગ્નિ દેતા પહેલા મૃતકના પુત્ર દ્વારા જળથી ભરેલો ઘડો પોતાના ડાબા ખભા પર લઈને શવની એક પરિક્રમા કરવામાં આવે છે જે શબના માથાના ભાગેથી શરૂ કરીને પૂર્ણ થયે માટલી નીચે પાડી ફોડી નાંખવામાં આવે છે.
સ્વાભાવિકપણે જિજ્ઞાસા થાય છે કે મૃત્યુ પછી અંતિમ સંસ્કારના કાર્યો પૂત્ર પાસે કેમ કરાવવામાં આવે છે. હવે એ સમય રહ્યો નથી. સ્ત્રીઓ પણ અંતિમસંસ્કાર કરે છે. પિતાના વીર્યમાંથી ઉત્પન્ન થયેલાને આ અધિકાર મળે છે.
શાસ્ત્રોમાં વિધાન છે કે મૃત્યુ પછીના 36 મહિનામાં મૃત વ્યક્તિ અન્ય શરીરને પ્રાપ્ત કરી લઈ બીજે જન્મ લઈ લે છે. તેથી જ હિદૂ ધર્મમાં મૃત્યુ પછી ત્રીજા વર્ષે શ્રાદ્ધમાં ભેળવવામાં આવે છે. જો વ્યક્તિ ગતિ ન આપે તો અસરગતિ હોય તો તેના નિર્વાહ અને ગતિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુને યજવામાં આવે છે. મોટે ભાગે ઋણાનુંબંધ અનુસાર મૃત આત્મા કોઈ ગર્ભમાં પ્રવેશ મેળવે છે. કહેવાય છે કે મૃત આત્માની ઈચ્છાને માન આપીને પરમાત્મા ઘરમાં સંતતિ આપે છે. ઘરમાં જન્મ લેનાર મોટે ભાગે તે પિતૃ જ હોય છે.
જ્યારે જીવનની ઉચ્ચ અવસ્થાએ પહોંચેલી વ્યક્તિ પોતાના સૂક્ષ્મશરીરને પણ છોડવાને શક્તિમાન હોય છે તે કારણ શરીરમાં પ્રવેશ મેળવે છે. જે એક અંશ માત્ર જ હોય છે.