આ મંદિરથી શરૂ થઈ શિવલિંગની પૂજાની પ્રથા, આજે પણ પાર્વતી સાથે અહીં બિરાજે છે શિવ
મહાશિવરાત્રિ પર્વ થોડા જ દિવસોમાં આવનાર છે. તેવામાં આજે તમને જણાવીએ મહાદેવના એવા તીર્થસ્થળ વિશે જે 12 જ્યોતિર્લિંગમાં તો નથી પરંતુ તેમ છતાં ખૂબ જ પ્રખ્યાત છે. આ તીર્થસ્થળ શિવજીની તપોભૂમિ તરીકે પ્રખ્યાત છે.
આ ધાર્મિક સ્થળનું નામ જાગેશ્વર છે. ખાસ વાત એ છે કે આ તીર્થસ્થળનો ઉલ્લેખ પુરાણો અને ગ્રંથોમાં પણ કરવામાં આવ્યો છે. ભગવાન શિવનું પ્રથમ જ્યોતિર્લિંગ જાગેશ્વરમાં આવેલું છે. આ સ્થાનને ઉત્તરાખંડનું પાંચમું ધામ પણ કહેવાય છે. તો ચાલો જાણીએ આ પાવન સ્થળના મહત્વ વિશે.
મંદિર પ્રશાસ અનુસાર આ સ્થાન 12 જ્યોતિર્લિંગમાંથી 8મું છે. પરંતુ તેને લઈ અલગ અલગ મતમતાંતર જોવા મળે છે. કેટલાક લોકો ગુજરાતના નાગેશ્વરને તો કેટલાક લોકો મહારાષ્ટ્રમાં આવેલા ઔઢા નાગનાથને જ્યોતિર્લિંગ માને છે. અહીં આવેલા જાગેશ્વર ધામને લોકો યોગેશ્વર જ્યોતિર્લિંગ તરીકે પણ જાણે છે.
એક માન્યતા એવી પણ છે કે મહાદેવ અહીં આજે પણ વૃક્ષ તરીકે માતા પાર્વતી સહિત બિરાજે છે. દેવદારના વૃક્ષોથી ઘેરાયેલા વનમાં મનોહારી તીર્થસ્થળ છે. અહીં શિવ પાર્વતી યુગલ સ્વરૂપે બિરાજે છે. આ દેવદારનું વૃક્ષ વર્ષો જૂનું છે. શિવ એકમાત્ર એવા દેવતા હતા જેમણે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી હતી. તેથી લોકો માને છે કે તેઓ આજે પણ આ વૃક્ષમાં સાક્ષાત બિરાજે છે.
જાગેશ્વરમાં 250 નાના મોટા મંદિરો આવેલા છે. જાગેશ્વર ધામના આ મંદિરમાં 124 મંદિરનું એક સમૂહ છે જે સૌથી જૂનું છે. અહીં 5 વખત પૂજા થાય છે. અહીં મુખ્ય મંદિર મહામૃત્યુંજય મહાદેવનું છે. જેમાં માતા પાર્વતી ઉપરાંત ભૈરવ, હનુમાનજી અને અન્ય દેવી દેવતાઓ બિરાજે છે. સ્કંદ પુરાણ અને લિંગ પુરાણમાં પણ આ મંદિરની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે.
એક માન્યતા એવી છે કે અહીં ભક્તની દરેક મનોકામના પૂર્ણ થતી. આ વાતનો લોકોએ દુરઉપયોગ કરવાનું શરુ કર્યું. 8મી સદીમાં આદિ શંકરાચાર્ય અહીં આવ્યા અને તેમણે એક વ્યવસ્થા શરૂ કરી. અહીં માંગવામાં આવેલી એવી મનોકામના જેમાં બીજાનું અહિત હોય તે પૂરી થતી નથી. અહીં યજ્ઞ કે અનુષ્ઠાન કરી મંગળકારી મનોકામના જ પૂર્ણ થાય છે.
અહીં શ્રીરામ સાથે જોડાયેલી એક માન્યતા પણ છે. લોકો માને છે કે લવ અને કુશએ અહીંયા જ તેના પિતા સાથે યુદ્ધ કર્યું હતું. કહેવાય છે કે લવ અને કુશએ સર્વપ્રથમ આ મંદિરોની સ્થાપના કરી હતી. અહીં એક યજ્ઞ કુંડ આજે પણ છે.
અહીં પાંડવોએ પણ વાસ કર્યો હોવાના પુરાવા મળે છે. આ સ્થળ એટલું જુનું છે કે તેનો ઉલ્લેખ રાવણ, પાંડવો અને માર્કડ્યે ઋષિએ પણ કરેલો છે. આ સ્થાન હજારો વર્ષ જૂનું હોવાની માન્યતા છે. જો કે પુરાતત્વવિદો અનુસાર આ મંદિરનું નિર્માણ 7થી 14મી સદી દરમિયાન થયું છે.