હમણાં જ નજીકના સમયમાં મારા પિયરમાં ઘરના વડીલનું મૃત્યુ થયું .
એ સમયે મારા જેઠાણીનો ખરખરા માટેનો ફોન આવ્યો .
અને એમની વાતોમાં એકવાતે મને વિચાર કરતા મૂકી દીધા .
ફોનમાં એ બોલ્યા હતા ' તમારા લગ્નના પછીનો સમય મને યાદ છે .
એમના કેટલા પત્રો આવતા ....
એ પત્ર એટલે આપણું જૂનું અંતર્દેશીય પત્ર , એને કદાચ ઇનલેન્ડ પણ કહેવાતું .
સુંદર અને મરોડદાર અક્ષરો હજુ પણ યાદ છે . જરા સરખી પણ જગ્યા ખાલી દેખાય નહીં એટલું પૂરું ભરચક લખાણ ....
નાની અમથી જગ્યા હોયતો એમાં પણ કંઇ લખી જ નાખ્યું હોય .
અને સાચું કહું તો એ સમયે એ લખાણ પણ ઓછું લાગતું .
એવું લાગતું હજુ ક્યાંક કોઈ શબ્દો મળી જાય . છલોછલ લાગણીથી ભરેલ એ પત્રમાં સામાન્ય વાતચીત કરતા હોય એવું જ લખતા હોય . પરંતુ એ વાંચતા જ જાણે રુબરુ થયા હોય એવું લાગતું . વાંચીને પ્રેમ છલકાઈને આસું રૂપે બહાર નીકળી આવતો .
વાસ્તવિક પ્રેમની અનુભૂતિ , નિખાલસ પ્રેમની અનુભૂતિ ,
પોતાની આંગળીઓને કષ્ટ દઈને કાગળ પર કંડારેલા અક્ષરો એવા લાગતા જાણે આપણે એમના હાથને સ્પર્શ કરી રહ્યા છીએ .
અને હવે ....?
બધુ જ આર્ટિફિશિયલ ...
શબ્દો , વાક્યો ....
શબ્દોને આર્ટિફિશિયલ લાગણીનું નકાબ પહેરાવીને બનતા છેતરામણા વાક્યો ,
કોઈના આવેલા ઉધાર શબ્દોને આગળ ઉધાર આપવાનું ... અને એ પણ માંડ ચાર લાઇન ...
અને આજકાલ તો એટલું વાંચન પણ ઇગ્નોર કરવામાં આવે છે .
દરેક માણસ એટલો બીઝી થઈ ગયો છે કે અરીસા પર ચડેલી ધૂળ પણ નજર નથી આવતી . અને ચડેલી એ ધૂળના કારણે દરેકને પોતાનો ચહેરો સ્પષ્ટ રુપે વર્તાતો નથી .
અજાણ્યા માણસો સાથેના સંપર્ક વધ્યા છે પણ પોતાના તૂટતા જાય છે . હવેની જિંદગી આવી જ હશે કે પછી આની કરતા પણ ...વધારે સારી કે ખરાબ ? ,
નવા જમાનાના હિસાબે આપણે એ પણ સ્વીકારવું જ રહ્યું .