સકળ વિશ્વ માં નથી એક જ માનવી
પશુ છે, પક્ષી છે, છે વનોની વનસ્પતિ
માનવની મોટા ભાગની પ્રવૃત્તિ પાછળનો ઉદ્દેશ્ય સુખ અને આનંદની પ્રાપ્તિ હોય છે. મોજશોખ એ માનવ જીવનને હર્યુંભર્યું રાખે છે. જ્યારે જીવનમાંથી મોજશોખ તેમજ આનંદ લુપ્ત થઈ જાય ત્યારે જીવન સ્મશાન જેવું બની જાય છે. જીવનને વસંત જેવું બનાવવા વ્યક્તિ વિવિધ પ્રસંગો, તહેવારો આનંદ ઉલ્લાસથી ઉજવે છે. વિવિધ મનોરંજનની પ્રવૃત્તિ દ્વારા વ્યક્તિ હંમેશા આનંદની ખોજમાં હોય છે. દરેક વ્યક્તિને મોજશોખની પ્રવૃત્તિ દ્વારા આનંદ મેળવવો એ તેનો જન્મસિદ્ધ અધિકાર છે. વ્યક્તિએ મનોરંજનની સાથે એ પણ ધ્યાન રાખવું પડશે કે આપણી શિવાય આ જગતમાં અન્ય જીવો પણ જીવી રહ્યા છે. તેમને નુકશાન ન થાય તેનું ધ્યાન રાખવું તે પણ આપણી ફરજ છે. જ્યારે વ્યક્તિ અન્ય જીવોના અસ્તિત્વને સ્વીકારી તેમનો ખ્યાલ રાખશે ત્યારે જ આપણે સાચો આનંદ માણી શકીશું.
હમણાં જ આપણે ઉતરાયણનો તહેવાર ધામધૂમથી મનાવ્યો. ઉતરાયણનો તહેવાર પૂરો થાય એટલે જ્યાં ત્યાં દોરીની ગુંચો તેમજ પ્લાસ્ટિકનો કચરો છવાઈ જાય છે. આ દોરીની ગુંચો ઘણા પક્ષીઓનો જીવ લે છે. પ્લાસ્ટિક પર્યાવરણને નુકસાન કરે છે. તેમજ ઘણા પ્રાણીઓ પ્લાસ્ટિક ખાય છે. આપણા આનંદથી અન્ય જીવોને નુકસાન ન થાય એટલા માટે આપણે તમામ ગુંચો તેમજ પ્લાસ્ટીક એકઠું કરી તેને બાળી દેવું જોઈએ. આપણા કાર્ય થી આપણા બાળકો ની અંદર અન્ય જીવોના અસ્તિત્વનો સ્વીકાર કરવાની ભાવના કેળવાશે.
-ઇતરકાકા