નાગમતી - નાગવાળો
સવિયાણૂં સરધાર,નગરા માં નેહચળ ભલૂ
બવળાં હાટ બજાર,રજવાડૂં રધિએ ભર્યૂં
બાધી જોવે બજાર,પ્રિતમ!તમણી પાઘને,
અમણી કીં અભાગ!ધમળના!ઢાલૂં દિયે!
ઘોળ્યાં જાવ રે ધી, આજૂના ઉતારનાં!
ધન્ય વારો ધન્ય દિ,નીરખ્યો વાળા નાગને.
વડલા હેઠળ વાવ, હાલે ને હિલોળા કરે,
નાગમદે નાની બાળ,ભેડાની પાણી ભરે,
પાગે બેડી પેરીએં,હાથે ડહકલાં હોય
(પણ)નાગડા!નેવળ નો'ય,આંખ્યૂ કેરે ઓડડે
સામ સામી યું સગા!મીંટૂં કાં માંડો નહિ
વઢીએં તો વાળા!નેણઝડાકે નાગડા
ત્રાંબાવરણૂં તળાવ,પદમણૅયૂં પાણી ભરે,
નજર કરોને નાગ!ધમળ સરધારા-ધણી
નાગડા!નાગર વેલ્ય,થડમાંથી લઈ થૂંણીયે
કાંક કાંક કૂંપળ મેલ્ય,(અમે)આશા ભરિયાં આવિયાં.
નાગ નીસરણી નાખ,કયે ઓવારે ઊતરીએ,
આમાંથી ઉગાર,(તો)વરીયે વાળા નાગને
આવ્યાં ઊભે દેશ,ગાંજૂ કોઈ ગમિયલ નહી,
નાગ! તમારે નેસ,બાંધલ મન બચળાં જીં.
જાતા ના જૂવાર!વળતા નાં વોળામણાં
વાળા!બીજી વાર,અવાશે તો આવશૂં
નહીં વલોણૂં વાસમાં,નહીં પરભાતી રાગ
નાગમતી ના નેસમાં,કાળા કળળેળે કાગ,
નદી કિનારે નેસ,માળીંગાં માંડ્યાં રિયાં
વાલાં વળ્યાં વિદેશ,ચાળો લગાડી ચિતને
નાગમદે ને નેસ,(મન)ખૂતલ ખરણ વારે,
પરદેશી ગ્યાં પરદેશ,પોઠીડા પલાણે.
નાગમદે ને નેસ,ભાંગલ પગ ભીંસા તણો
વાલાં ગિયાં વિદેશ,અવધે આવાણૂં નહીં .
વારા સારૂ વઢતિયૂં,દિ'માં દસ દસ વાર,
વઢી ક્યાં વાઢનાર,નીઘા!નીંઘલિયાળિયૂં
સૂતો સોડ્ય કરે, પાંઢેરી પછેડીએ,
બોલ્યો ન બોલે,નીંભર કાં થ્યો નાગડો
નીકર વાલા નાગ!રાફડ કાં રૂંધાઈ રિયો,(માથે) નોરલીયૂંના માર, (તોય) નીંભર કાં થ્યો નાગડો.
મનની કીધી મોરલી,તન ના કીધા ત્રાગ,
જોવા જનમની જોગણી,નીકળ બારો નાગ.
વગાડું છત્રીશ રાગ,કાંધે જંતરડૂં કરી,
નીકળ બા'રો નાગ!વેશ જોવા વાદણ તણો
નવ કૂળ માયલો નાગ, ફણ્ય માંડી પાછો ફરે,
જાય ભાગ્યો જળસાપ, નોળી વાટે નાગડા
વાળા!જોતાં વાટ, નખતરપતી નમી ગયો
અંતર થાય ઉચાટ,નરખૂં ક્યાં જઈ નાગડો
દિ'ઊગ્યે દેવળ ચડૂં,જોઉં વાળા ની વાટ.
કાળજમાં ઠાગા કરે,નાડ્યૂં માં વાળો નાગ.
તમે પાણી અમે પાળ્ય,આઠે પો'રે અટકતા,
તેદૂની ટાઢળ્ય,વરવૂં વાળા નાગ ને.
સવારે સૌ કોય,મોકાણે આવે મલક,
(પણ)રાત્ય ન રોવે કોય, નાંધે વણની નાગડા
અગર-ચંદણનાં રૂખડાં,ચોકમાં ખડકૂં ચ્હે
હૂં કારણ નાગડો મૂવો,(હવે)બળશૂં અમે બે.
આભામંડળ વીજળી,ધરતી મંડળ મે,
નરાંમંડળ નાગડો,(એમ)અસ્ત્રીયાં આલણદે
આલણદે!એકાર,કાયાનો કરીએં નહીં,
ઘડેલ કાચો ઘાટ,માટીસૂં જાશે મળી.