શું તમે કોઈ દિવસ ડુંગળી સમારી છે? હવે તમને એમ થાય કે આ કેવો પ્રશ્ન? પણ આજે આ પ્રશ્ન પૂછવાની એટલે જરૂર પડી કેમ કે જ્યારે ડુંગળી સમારીએ ને ત્યારે આંખોમાંથી જે આંસુડા ટપકે ને એ તો જેણે સમારી હોય એ જ સમજી શકે. ઘણાને એમ થાય પણ થાય કે હવે તો ડુંગળી સમારવાના કટર પણ આવે છે, પણ ડુંગળી છોલવી તો હાથથી જ પડે હો.? હવે મેં ક્યાંક એવું વાંચેલું કે ડુંગળી સમારતા પહેલા જો ચપ્પુ ને ગેસ પર જરા તપાવી લઈએ ને તો આંખોમાંથી આંસુ ના નીકળે. પછી શું? એ ટ્રાય કરવું જ રહ્યું, પણ ટ્રાય કર્યા પછી ખબર પડી કે એની અસર તો એકાદ મિનિટ સુધી જ ચાલી શકે. ફરી ચપ્પુ ઠંડું થાય એટલે એને તપાવવાનું નહીંતર આંખોમાંથી આંસુડા ટપકવા લાગે, તેમ છતાંય ચપ્પુ તપાવ્યા વિના સુધારીએ એના કરતાં તો ઓછા જ આંસુડા ટપકે હો.
ઘણી વખત આપણી જિંદગીમાં પણ એવું બનતું હોય છે કે, આપણને ખબર હોય કે અમુકો બાબતો આગળ જઈને આપણને દુઃખ જ આપવાની છે, તેમ છતાં આપણે એ બાબતો સાથે જોડાયા વિના નથી રહી શકતા હોતા. જ્યારે પણ આપણી જિંદગીમાં આવી બાબતોનો સામનો કરવાનો આવે ને ત્યારે પોતાની જાતને જરા તપાવી લેવી, સ્ટ્રોંગ કરી લેવી. આવું કરવાથી કંઈ ભવિષ્યમાં દુઃખ ન થાય એવું ન હોય પણ ઓછું દુઃખ થાય. તો જિંદગીમાં ડુંગળી જેવી પરિસ્થિતિનો સામનો કરતા પહેલા જાતને ચપ્પુની જેમ તપાવવાનું ભૂલતા નહીં, પછી એમ ના કહેતા કે કીધું નહીં. ?...?જાગૃતિ તન્ના "જાનકી"