ઘોડિયે નહીં તો કંઈ નહીં
પણ
ઝૂલે તો હજુ ઝૂલી શકાય છે ,
પણ
ભૂખ લાગે તો ક્યાં ફરી
મોંમાં અંગુઠો લઇ ચૂસાય છે ?
કંઇક શીખવાની જીજ્ઞાસા લઇ
ફરી સ્કૂલ કોલેજ જઈ શકાય છે ,
પણ
દફતર ફેંકી રમવા દોડવું
એવું હવે ક્યાં કરી શકાય છે ?
ઝાડ પર નહીં તો કોલર ટયુનમાં
કોયલ- ટહુકા સાંભળી શકાય છે ,
પણ
અમથું અમથું ક્યાં ફરીથી કોયલ સંગ ટહુકી શકાય છે ?
મિત્રો સંગે તાળી દઈ હજુ એ
જોને ખિલખિલ હસી શકાય છે ,
પણ
મનગમતી ચીજ મેળવવા
ક્યાં હવે ભેંકડો તાણી રડાય છે ?
જા તારી કિટ્ટા છે કહીને હજુ એ
પળમાં દુશ્મની કરી શકાય છે ,
પણ
બીજી જ પળે બુચ્ચા કરીને
ક્યાં કોઈને ય મનાવી શકાય છે ?
મોટા થવાની ઈચ્છા કરીને જુઓ
ઝટ મોટા તો થઇ જવાય છે ,
પણ
ફરી પાછું નાના થઇ જવું ?
ક્યાં કોઈનાથી પણ થવાય છે
*બાલ દિન નિમિત્તે ॥*