#નૂતવર્ષાભિનંદન
આજે નવું વરસ શરૂ થશે...એટલે રાતોરાત કંઈ બદલાઈ નહિ જાય! તમારી આસપાસ જે છે, જેવું છે એવું જ એ રહેવાનું...જો તમે એમાં બદલાવ ઈચ્છતા હો તો બદલાવું પહેલાં તમારે પડશે..!
કેવી રીતે બદલાવું અને શું બદલવું? તમને આ વિચાર આવ્યો હોય તો જ આગળ વાંચજો!
એક લીસ્ટ બનાવવું પડશે, તમારા પોતાના વિષે. એક કાગળ લો એની ઉપર હેડિંગ મારો,
“મારી નબળાઈઓ" અને નીચે નંબર આપી લખતાં જાઓ... એક, બે કે દસ વીસ.. જેટલી શોધી શકો એટલી નબળાઈઓ શોધી લો અને લખો...તમારી જાત ઉપર દયા જરાય ના કરતા, તમારી ઉપર કોઈ નહિ કરે!
હવે એ કાગળને ઉલટાવી લો અને પાછળ બીજું લીસ્ટ બનાવો, “મારા પ્લસ પોઇન્ટ"
અહીંયા તમારામાં જે જે હુનર છે, જે જે વાતે તમે નિષ્ણાંત છો કે તમે જે કરી શકો છો એ નોંધો.
જેને પોતાની નબળાઈ નથી મળતી એની પોતાની કાબેલિયત સાથે પણ મુલાકાત નથી થતી...આ વાત યાદ રાખજો અને ફરી વિચારી, જે પણ યાદ આવે એ લિસ્ટમાં ઉમેરો.
હવે એક નવો કાગળ લો અને એની ઉપર તમારી ઇચ્છાઓ, તમારા સપના લખો. બિન્દાસ લખો કોઈ બીજું જોવાનું નથી. હવે એ બધી લિસ્ટ ની એક એક ફોટો કોપી લઈ લો અને એને તમારી ગેલરી માં સેવ કરી લો, કોઈ જોઈ જશે તો એ ડર હોય તો લીસ્ટ ફાડીને ફેંકી દો...
હવે આ ત્રણ લીસ્ટ તૈયાર થઈ સેવ થઈ ગયા પછી...તમારી નબળાઈઓ એક એક કરીને દૂર કરતા જાઓ અને પ્લસ પોઇન્ટ પર કામ કરવાનું ચાલુ કરો, શરૂઆતમાં થોડી તકલીફ પડશે, છતાં પ્રયત્ન કરતાં રહેવાનું...જ્યારે બહુ જ કંટાળો આવી જાય ત્યારે પેલું સપના લખેલા એ લીસ્ટ કાઢીને વાંચવાનું... ફરી જોશ આવી જાય એટલે આગળ વધવાનું...!
આવતા વરસ સુધી તમારા કેટલા સપના તમે પુરા કરી શક્યા એની જાણ મને અવશ્ય કરજો...?
તમારી પોતાની તમારી જ સાથેની લડાઇ છે આજની દુનિયા...અને સૌથી ખરાબ ટેવ છે ગિવ અપ કરવું! એકવાર એ આદત પડી જાય ત્યારે તમે પિંછે હઠ કરવાનું ચાલું કરો છો...વરસો બાદ ઘણું બધું ગુમાવ્યા પછી પણ ક્યાંય શાંતિ નથી મળતી...કેમ કે તમારી અંદરનું યુધ્ધ હજી ચાલું છે!
તમારામાંથી કેટલાને એમ થાય કે, આ વખતે હું બોલ્યો હોત તો સારું હતું, કે પછી આ વાત/લાઈન/સંબંધ મને મંજૂર નહતો છતાં બધાએ કહ્યું અને મેં ચલવે રાખ્યું, મારે આ કામ કરવું છે પણ ટાઈમ નથી મળતો, બધા લોકો મારો ફાયદો ઉઠાવે છે...આવું તો લાંબુ લીસ્ટ બને..એ બધામાંથી બહાર આવો, ફક્ત વિચાર કરવાથી, થોડીવાર ફ્રેશ થવા ગેમ રમી લેવાથી કે ફિલ્મ જોઈ લેવાથી તમારી લાઇફમાં રતીભાર પણ ફરક નથી પડવાનો... એક વિચાર કરો જે ફિલ્મ કે ગેમ કે નવલકથા તમને ખૂબ ગમે છે એનો હીરો શું કરતો હોય છે?
ટુંકમાં તમે પણ તમારા જીવનના હીરો/હિરોઈન છો એમ વિચારો જ નહિ સ્વિકારી લો અને એવી રીતે જ જીવો, પછી જ ખરેખર નવું વરસ જ નહિ નવું જીવન મેળવ્યું હોય એવું લાગશે!
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?