ફ્રેંન્ડ-રીકવેસ્ટ.....દિનેશ પરમાર “નજર”(૯૯૨૪૪૪૬૫૦૨)
---------------------------------------------------------------------
ભરવસંતે બિસ્તરા બાંધીને ફૂલો ક્યાં ગયા ?
પાનખરની સાવ રે ખોટી ખબરમાં નીકળ્યા
હાથ-પગ બાંધી હવાના લઈ ગયા સ્મશાનમા,
સાચવેલા પ્રેમપત્રો, બંધ ઘરમાં નીકળ્યા
-ધૂની માંડલીયા
--------------------------------------------------------------------
કોમન મિત્રના દિકરાના રિશેપ્શનમાં હોટ એન શોર સુપની ચુસકી લેતા લેતા,અચાનક જ આમંત્રિતોના ટોળા ને વિંધી ,દુર ખુણામાં ઉભેલા કોલેજ સમયના મિત્ર રમેશ પર નજર પડતા જ આટલા વર્ષે પણ ભરત ઓળખી ગયો.આનંદના આવેગમાં લોકો વચ્ચેથી પસાર થઇ સીધો તેની પાસે પહોંચી ગયો.
રમેશનો ચહેરો ભરતને જોતા આશ્રર્યથી પહોળો થઇ ગયો ,હાથમાં પકડેલ સુપનો ચમચો હવામાં અટકી ગયો , ટીકીટીકીને સામે જોઇ પ્રશ્ન કર્યો, "ભરત ???"
હસતા ચહેરે ભરત બોલી ઉઠયો," ઓળખી ગયો એમ ને?,અલ્યા કયાં છે તું?,કોલેજ પુરી થયા પછી તો , કેરમની ભેગી કુકરીઓ જેવા આપણા અસ્તિત્વને ,સમયના સ્ટાઇકરનો એવો સ્ટ્રોક વાગ્યો કે પછી આપણાથી આજદિનસુધી ભેગુજ ના થવાયુ."
"હાલ બાલાસિનોર પંચાયતમાં નોકરી ચાલુ છે ,અમદાવાદથી અપડાઉન કરુ છું ,અમદાવાદમાં જ,નવા મણિનગર તરીકે ઓળખાતા નારોલ-વટવા વિસ્તારમાં ,અભિલાસા હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહુછું ,આવતા વર્ષે રીટાયર્ડ થઇ રહ્યો છું. પણ ભરત તુ કયાં છે?"સુપની ચુસકી લેતા રમેશ બોલ્યો.
" હું એચ્યુલી જેવી કોલેજ પતી કે જુદાજુદા વિભાગોમાં અરજી કરતો હતો આવા જ પ્રયત્નમાં મને વડોદરા કોર્પોરેશનમાં જોબ મળી ગઇ,વળી આ જોબમાં વડોદરાની બહાર બદલી થવાનો તો કોઇ પ્રશ્ન જ નહતો હાલ ત્યાંજ છું પણ મારા સગાસબંધિઓ અને મિત્રવર્તુળ અહિંયા હોઇ , હુ
તારી જેમ જ આવતા વર્ષે નિવૃત થઇ અમદાવાદ સેટ થવા વિચારી રહ્યો છું."સુપની છેલ્લી ચુસકી લેતા ભરત બોલ્યો.
ડસ્ટબિનમાં બાઉલ મુકી પરત ફરી રહેલા ભરતને કશુંક યાદ આવ્યું," અરે હા, રમેશ..તને યાદ હશે જ આપણી કોલેજમાં જુનિયર તારો ખાસ હતો તે ..સુરેશ ..શુ કરે છે આજકાલ?..કોલેજમાં આપણે સેકન્ડયરમાં હતા ને તે ફ્સ્ટયરમાં દાખલ થયેલો, આપણા ગ્રુપમાં તેને એન્ટ્રી લેવી હતી પણ ભાવ ના આપતા તે તારી જેમ જ સુરેન્દ્રનગરથી અમદાવાદ કોલેજ કરવા આવેલો અને વળી સુરેન્દ્રનગર તારી જ સાથે સ્કુલમાં ભણેલો તેથી તારી રીકવેસ્ટથી આપણા ગ્રુપમાં સુરેશને સામેલ કરેલો યાદ છે?"
હજુ આગળ રમેશ કઇંક બોલે તે પહેલા ભેળની ડિસ ઉઠાવી ભરત આગળ બોલ્યો, "પણ જવા દે યાર શું કહેવુ એને ? આજ થી લગભગ બે મહિના પહેલા સુરેશને ફેસબુક પર જોતા જ ફરી જુની યાદો તાજી કરવા મેં ફ્રેન્ડ-રીકવેસ્ટ મોકલી હતી.જે તેણે બીજે જ દિવસે એક્સેપ્ટ તો કરી ,પણ પછી મારા તરફથી મોકલેલા ઉપરા ઉપરી એક પણ મેસેઝીસનો તેના તરફથી કોઇ રીસપોન્સ જ નૈ...આજ સુરેશ.... કોલેજમાં તો દોસ્ત બનવા કવું કેવું કરતો હતો યાર. ...???"
રમેશ જે ભેળની ડિસ લેવા જતો હતો તે અટકી ગયો ને ભરત તરફ ફરી બોલ્યો," ભરત કમનસીબે તને મેસેજ નહીં મળ્યા હોય પણ સુરેન્દ્રનગરથી ,આપણાં જેવા જુના મિત્રોને તેના દિકરાના લગ્ન-રિશેપ્શનના કાર્ડ વ્હેંચવા અમદાવાદ આવી રહેલા સુરેશને કાર અકસ્માત થયેલો ને તે કાર અકસ્માતમાં......." રમેશ આગળ બોલી ના શક્યો.સ્હેજ કળ વળતા બોલ્યો , "આજે એક્ઝટ એક મહિનો ને છવ્વીસ દિવસ થયા તે ગોઝારી ધટનાને ..."
આ વાત સાંભળતા જ મોઢામાં મુકવા લંબાવેલી ભેળની ચમચી ભરતના હાથમાં હવામાં લટકતી રહી ગઇ.....
***************************************************