Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#દિવાળી ભાગ ૨

આજે...! આજે પણ સારું જ છે. વખત બદલાયો છે અને આપણે એના સાક્ષી છીએ. ઘરમાં મહેમાન આવે છે સ્વજન નહિ..! કોઈના ઘરે રોકાવા જવાનું વિચારીએ તો પણ ક્યારે જવાના અને ક્યારે પાછા ફરવાના એ બધું અગાઉથી જણાવી રાખવું પડે. એ લોકોનો શું પ્રોગ્રામ છે એ જાણી લેવું પડે. ગામડે જાઓ ત્યાં જૂનું ઘર હોય તો તમને ત્યાં પ્રવેશતા જ જૂની યાદો ઘેરી વળશે, દિવાળીની પહેલાં જેવી મજા નથી રહી એવું લાગ્યા કરશે. જૂના સંબંધો, ભાઈબંધો, કાકી, ભાભી બધા જાણે ક્યાંક ખોવાઈ ગયા..! કોઈ કોઈ મળી આવે તો પણ પેલો પહેલા જેવો ઉમળકો હવે આપણામાં જ નહિ અનુભવાય. ઘરના લોકો સાથે બેસીને કોઈક મુદ્દે ચર્ચા કરી રહ્યા હશો ત્યારે કોઈ ને કોઈ વાતે તમારી સરખામણી તમારા બીજા ભાઈઓ સાથે થયા કરશે, શહેરમાં રહીને તમે જલસા કરો છો અને ગામડે રહેતો ભાઈ માંડ પૂરું કરે છે, માબાપની જવાબદારી નિભાવે છે, એ વાતે ઘણું ઘણું કહેવા તમારી જીભ સળવળી ઉઠશે...પણ બોલાશે કશું જ નહિ! નાનપણમાં આપણને એવા સંસ્કાર મળ્યા છે, સામેવાળાની લાગણી વિષે વિચારીને બોલવાનું..! બે ત્રણ દિવસ થતાં તો કેટલાય બાકી રાખેલ કામ યાદ અાવી જશે અને આપણે ત્યાંથી ભાગીને ફરી આપણા માળામાં ભરાઈ જશું... આવતા વરસે ગામ જવા કરતાં ક્યાંક બહાર ફરી આવવાનો પ્રોગ્રામ બનાવવો પડશે...જ્યાં તમને જ ના ફાવ્યું છતાં તમે સારું છે, સારું છે કહીને મન મનાવી રહ્યાં હોં ત્યાં, “ગામડે જરાય મજા નથી આવતી, પેલા કાકાના છોકરાએ મને એના ફટાકડા ના આપ્યા અને મારામાંથી એણે ચોરેલા, ભાભીની સાડી જોઈ હતી પાછા મને કહે તમારા શહેરમાં સસ્તામાં સાડીઓ મળી જાય... માથે ઓઢી ઓઢીને મારા વાળ ઘસાઈ ગયાં..!" એવી પત્ની અને બાળકોની ફરિયાદ ચાલું થઈ ગઈ હોય, પછી આવતા વરસે બહાર ફરવા જવાનો જ પ્લાન બને...

બહાર દરેક જગ્યાએ નકરી ભીડ હોય, હોટેલ, રેસ્ટોરન્ટ, પ્રવાસન સ્થળ..બધે જાણે કીડિયારું ભરાયું અને છતાં આપણને ત્યાં મજા આવે છે, કેમ કે કોઈ આપણને નથી ઓળખતું, નથી આપણે કોઈને ઓળખતા... જેને જે કરવું હોય એ કરે આપણે કોઈ જફા જ નહિ! હું મારી પત્ની અને મારા બાળકો...બસ આટલાંનું જ વિચારવાનું! દિવાળી પતે એટલે ઘરે પાછા અને ફરી કામ ચાલું...

ભવિષ્યમાં દિવાળી કેમ ઉજવાશે એનીય પાછી આપણને ચિંતા ખરી એટલે ક્યારેક સમય મળે બાળકોને આપણી જૂની વાતો કહી તહેવારોનું મહત્વ સમજાવી આપણી ફરજ અદા કર્યાનો સંતોષ માનીશું...અને જે આપણે નથી કરી શકતા એ એમણે કરવું જોઈએ એવું સમજાવીએ ત્યારે એ આજના ટાબરિયા કોઈક એવી સીધી અને ચચરતી વાત કહી નાખે કે આપણી બોલતી બંધ થઈ જાય... અત્યારના બાળકોને આપણે જ શીખવાડી રહ્યા છીએ કે, જે મનમાં હોય એ ચોખ્ખું કહી દેવાનું...હું તારી મમ્મી/પપ્પા નહિ પણ દોસ્ત છું એમ સમજવાનું..?

આટલે સુધી તમે વાંચ્યું તો તમારો ખૂબ આભાર,
સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111275837
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now