આમ તો આવતાજતા ઘણી વખત તારી આસપાસમાંથી પસાર થવાનું બન્યું છે અને હું હંમેશા વિચારતો રહ્યો કે તારી પાસે કેટલી બધી વાતો હશે , ખેર જયારે એ વિચાર્યું ત્યારે એ પણ વિચાર્યું કે એના માટે તારી સાથે બેસવું પડે. બધા ઘોંઘાટથી દૂર થઇ ને , તને સાંભળવું પડે. અવારનવાર આ ઈચ્છાનું મનમાં આવવું અને અચાનક નાઈટ ટ્રીપ પર નીકળતા તારું ફરીથી એ જ રસ્તે મને મળવું. એક સૂકું વૃક્ષ ને તું. બાજુમાં કોઈની જ અવરજવર નહિ જ. એક એવા સમયે હું તને મળવા આવ્યો. અને તે કેટકેટલું એ નીરવ શાંતિની વચ્ચે મને કહી દીધું. એ વાત અલગ છે કે આપણા બંનેમાંથી એકેયે પણ એક શબ્દ નથી ઉચ્ચાર્યો. શબ્દો ધૂળની ડમરીઓ બનીને ઉડી જાય એવું પણ આપણને ક્યાં પરવડે તેમ હતું?એકાંત તમને સાવ ખુલ્લા કરીને મૂકી દે છે , ત્યાં તમારી ઈચ્છાઓના બીજને અંકુર ફૂટે છે. તારા સહેવાસમાં એ એકાંતની પ્રતીતિ કરી છે મેં. પણ હવે તું મારી મનગમતી છે. હું કલાકો કાલની મુલાકાત પછી તારી ને પેલા વૃક્ષ સાથે પસાર કરી શકું છું. અને એક પ્રેમ આવો પણ હોય છે. નિર્જીવ પણ જીવંત લાગતો , મૌન પણ બોલકો. બાંકડો ઘણી પ્રેમાળ જગ્યા છે. #Algaari