Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#નિયતીકાપડિયા
#Niyati

આજે જ એક વાક્ય વાંચ્યું,

“કડવી ગોળી તરત ગળી જાઓ... મીઠી હોય એને ચગળે રાખો!"

મને તરત થયું કે બૉસ વાત તો એમણે સાચી જ કહી. અહીં કડવી ગોળી એટલે કડવી યાદો! જેને તરત ગળી જવાને બદલે આપણે વાગોળ્યા કરીએ છીએ અને એ દુઃખમાંથી બહાર જ નથી આવી શકતા. કોઈએ તમારું દિલ દુઃખવ્યું, અપમાન કર્યું, તમારી લાગણીને ઠેસ પહોંચે એવું કર્યું તો એ ઘટના ઘટી ગયા બાદ પણ કેટલા વરસો સુધી તમારા મગજમાં વારે વારે ઘટતી રહે છે? ક્યારેક વિચારી જોજો...અને એ દરેક વખતે એ કેટલી તકલીફ આપી જાય છે! ભૂલી જાઓ એવી ઘટનાને, મગજમાંથી હાંકી કાઢો, ડીલીટ કરી દો... આ કામ તમે જ કરી શકશો, તમારી ભલાઈ માટે!

મીઠી ગોળી! જીવનની એવી યાદ જેને યાદ કરતા જ મન, હૃદય, મગજ બધું ખુશ થઈ જાય! એવી યાદને આપણે કેટલી વખત યાદ કરીએ છીએ...?

તમે પાસ થયા અને તમારા પપ્પાએ તમને કોઈ મોંઘી ગિફ્ટ અપાવેલી કે તમે ધાર્યું પરિણામ નહોતા લાવી શક્યા અને તોય તમારા પપ્પાએ તમને ગળે લગાડીને કહ્યું હતું, “કંઈ વાંધો નહિ તારી તૈયારી તો ફર્સ્ટ ક્લાસ જ હતી પેપર જ સારું નહતું, ફરીથી પરિક્ષા આપી દેવાશે." આવું કંઇક યાદ આવે છે?

તમારી બાજુમાં રહેતો કે સાથે ભણતો મિત્ર તમારી સાથે આવેલો અને પેલો ચાંપલો છોકરો જેણે તમારા નાકમાં દમ કરી રાખેલો એની સાથે ઝઘડો કરેલો..., એની સુંદર પેન્સિલ કે સુગંધી રબર કે નવી ડિઝાઇનનો સંચો તમને આપી દીધેલો, તમને એ ગમેલો એટલે... એવો કોઈ દોસ્ત યાદ આવે છે?

જેની એક નજર માટે તમે મરી જવા તૈયાર હો એણે તમને આવીને કહ્યું હોય, “તું બહુ સારો છોકરો છે, આખા ક્લાસમાં તારા જેવો સીધો છોકરો બીજો એકેય નહીં." તમને સ્વર્ગ હાથવેંતમાં લાગતું હોય અને પછી તરત ધોળા દાડે તારા દેખાઈ ગયા હોય, જ્યારે એણે છેલ્લું વાક્ય કહ્યું હતું, “તું તો મારા ભાઈ જેવો છે!" અને કમને પણ તમે એ સંબંધ વરસો લગી પૂરી ઈમાનદારીથી નિભાવ્યો હોય... એવું કશુંક બનેલું?

તમને થાય કે લગ્ન કરીને ફસાઈ ગયો/ગઈ, સામેવાળાને મારી ખુશીઓની કોઈ પરવા જ નથી અને એવામાં જ અચાનક તમારા જીવનસાથી એ એવું કંઇક કરી દીધું હોય કે તમારી વિચારધારા જ બદલાઈ જાય...એવું યાદ કરોને યાર!!

ટુંકમાં ખરાબ નહિ પણ સારા અનુભવ યાદ રાખો, યાદ કરો અને મને કૉમેન્ટમાં જણાવો...તમારી ખુશીમાં હું અને વાંચનાર બીજા પણ ખુશ જ થઈશુ..?
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111271157
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now