#નિયતીકાપડિયા
તમને યાદ છે તમારી પહેલી પસંદ? જેને જોઈને તમે ખુશ થઈ ગયેલા... જીવનમાં પહેલીવાર વિચાર આવેલો કે, બૉસ બસ આવું જ, આ જ પાત્ર મળી જાય તો એની સાથે લગ્ન માટે બંદા તૈયાર છે!
થોડો વખત તો એને ચોરી છુપે જોવામાં જ પસાર કર્યો હશે. એની બહેનપણી સાથે વાતો કરી હશે અને એના ભાઈ કે ભાઈબંધ સાથે તમે પણ દોસ્તી કરી હશે. જો એનું ઘર તમારા ઘરની પાસે હોય તો એના માબાપની નજરમાં મહાન સાબિત થવા, પોતે બીજા કરતા વધારે હોંશિયાર, વધારે સારો છે એ સાબિત કરવા કેટલા પ્રયત્નો કરેલા, યાદ છે? એની હાજરીમાં તમારું કોઈ અપમાન કરી જાય તો એ અપમાન કરનારી વ્યક્તિ આજેય તમને દુશ્મન જેવી લાગતી હશે...પછી ભલે એ તમરા શિક્ષક હોય કે કોઈ બીજી જ નજીકની વ્યક્તિ. રક્ષાબંધનને દિવસે એણે તમને રાખડી નહિ બાંધી હોય ત્યારે તમારા હૈયામાં ઉમડી રહેલો હરખ આજે પણ અકબંધ છે કે નહિ? એને જોઈને જ તમે મોઢામાં આવી ગયેલી ગાળ ગળી ગયા હશો અને પોતાને ટપોરી નહિ પણ હીરો તરીકે જોવા લાગ્યા હશો...
બીજું બધું જવા દો બસ, એક વાતનો જવાબ આપો આજે પણ એની યાદ આવતા જ તમારા ચહેરા પર એક હલકી મુસ્કાન આવી જાય છે કે નહિ?
એ જાદુ છે પ્રેમનો! ભલે એ તમારી ગમતી વ્યક્તિ તમારી થઈ કે ના થઈ, તમારી લાગણી એના સુધી પહોંચી કે નહિ પણ પ્રેમનો જે જાદુ તમારા દિલ ઉપર ચાલ્યો એની અસર આજીવન રહેવાની સાહેબ... ગમે તે ઉંમરે તમે પહોંચી જાઓ એ પહેલી પસંદને મળતી આવતી કોઈ વ્યક્તિ જેવી તમારી જિંદગીમાં એન્ટર થશે તમારું દિલ પાછું ધક ધક કરવાનું જ... એની યાદ સાથે જ તમારા ચહેરા પરનું હાસ્ય ખીલવાનું જ... આ દિલને આદત પડી જાય છે પ્રેમ કરવાની અને પછી એ આદતથી મજબૂર બિચારું દિલ એની એ જ ભૂલ ફરી ને ફરી કરવા લલચાઈ જવાનું..! કેટકેટલી આશા જગાવે છે ને આ અઢી અક્ષર, એક મરતા માણસમાં પણ જીવવાની ઈચ્છા ભરી દે..!
ટુંકમાં પ્રેમ, પ્યાર, ઇશ્ક, મુહોબ્બત આ બધા રોગનો આજ સુધી કોઈ ઈલાજ શોધાયો નથી, એ ભલે થાય એકવાર પણ એની અસર, એના નિશાનીઓ જીવનભર દેખા દેતી રહેવાની...?
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?