❛કોઈને કહેવું નથી એવું નથી,
છોડ ને! એમાં પડ્યા જેવું નથી.
ડહોળ આપોઆપ નીચે બેસશે,
આ બધું દેખાય છે તેવું નથી.
એ જ લોકો ન્યાય મારો તોળશે,
આળ માથે એટલે લેવું નથી.
શ્વાસ પણ મરજી મુજબ ના લઇ શકો!
આપણે ત્યાં એક ક્ષણ રે'વું નથી.
હું દબાયેલો છું જે બોજા તળે,
દોસ્તોનો પ્રેમ છે, દેવું નથી.
મેં હવે મૂકી દીધી એ ધારણા,
આ જગત કેવું હતું, કેવું નથી!
બસ, દિલાસો જાતને આપી દીધો!
જે થયું છે એ થવા દેવું નથી.❜
- હિમલ પંડ્યા