વાણી સ્વાતંત્ર્યમાં પણ ઉભય પક્ષે ક્યાંક ને ક્યાંક વિચારોની અહિંસાની વાત આવે છે. એટલે કે કોઈ એક વિચારે બીજા વિચારની હિંસા ન કરવી જોઈએ. કોઈના ઉગતા વિચારને ડામી દેવો એ પણ એક પ્રકારની સૂક્ષ્મ હિંસા જ છે. લોકશાહી શાસન પ્રણાલિમાં વૈચારિક સ્વતંત્રતાની ભૂમિકા બહુ મહત્ત્વની છે. દરેક વ્યક્તિને સ્વહિતમાં અને દેશહિતમાં પોતાનો વિચાર રજૂ કરવાની સમાન તક છે. પરંતુ એમાં એ પણ અભિપ્રેત છે કે વિચારોની અભિવ્યક્તિથી અન્ય કોઈ વ્યક્તિ કે સમુદાયની લાગણીઓ કે તેમના વૈચારિક સ્વાતંત્ર્યને ઠેસ ન પહોંચે એ બાબતનો ખ્યાલ રાખવામાં આવે. વૈચારિક મતભેદો તંદુરસ્ત લોકશાહીનું લક્ષણ છે પણ વૈચારિક મતભેદોનો આગ્રહ રાખી તેને હિંસક સ્વરૂપ આપવું એ લોકશાહી માટે ખતરારૂપ છે.