Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે થોડી જૂની વાતો યાદ આવી ગઈ...

મારા પપ્પાની એક ટેવ, જેવા થોડાં વધારે રૂપિયા ઘરમાં ભેગા થાય કે એમને કંઈ ને કંઈ નવું કામ કરવાની ચળ ઉપડે! નોકરી તો ચાલું જ હોય એની સાથે બીજું શું કરી શકાય એનો આઈડિયા એમને આવી જ જતો...

વરસો સુધી એમણે સાડીઓ વેચવાનો પ્રયત્ન કરેલો. સુરત જઈને ત્યાંથી સાડીઓ ખરીદી લાવતા અને ઉપર નજીવો નફો લઈ વેચવાની એમની ઈચ્છા રહેતી, પણ એ ઈચ્છા ક્યારેય પૂરી થતી જ નહિ.. કેમ?

“અરે.. એતો મને કાકા કહે છે એની પાસેથી રૂપિયા લેવાય?", “એ તો મારી બહેન જેવી છે એનો રૂપિયો ના લેવાય!", “એની પાસે હાલ સગવડ નથી પછીથી આપી જશે!", “એ બહેન મારી જ ઑફિસમાં કામ કરે છે, એમની પાસેથી શું પૈસા માંગવાના!" ક્યાંય દૂરનું કોઈ સગપણ નીકળતું હોય કે પછી કોઈ ઘરે આવીને એમને ભાઈ/ કાકા/ મામા/માસા કહી દે એટલે પત્યું... એમને એમણે સાડી ગિફ્ટ કરી જ દીધી હોય.

હું એમની ઉપર ખિજવાતી, ફરીથી સાડીઓ ખરીદવાની ના કહેતી ત્યારે એ કહેતા, “મને મારી રોકેલી મૂડી મળી ગઈ છે, થોડીક વેચેલીને એમાંથી... નુકશાન ક્યાં ગયું? કોઈક બિચારું સાડી પહેરીને રાજી થાય એ જોઈ આપણે ખુશ થવાનું..!"

આ સાડીઓનું તો એક ઉદાહરણ આપ્યું એ સિવાય પેન્ટ પીસ, શર્ટ વગેરે પણ ખરીદી લાવતા. એકવાર હિન્દુસ્તાન લીવરની કોઈક સ્કીમમાં જોડાયેલા... એની પ્રોડક્ટ વેચવાનું એમાં રહેતું, એમાંય બધાને ફ્રીમાં લહાણી કરી આવે! એક તો વજનદાર થેલો સ્કુટર ઉપર ઉઠાવીને ફરતા અને કોઈને ઉધારીમાં વસ્તુ આપે એની પાસે ફરીથી રૂપિયા માંગતા તો એમની જીભ જ ના ઉપડે...!

હું તો એમને રીતસર ખખડાવી જ નાંખતી, પછી એ હસીને કહેતા, “હું ભલે જે કરું એ મને કરવા દે, પણ એક વાત યાદ રાખજો ભગવાન બધું જોવે છે તમને ભાઈ બહેનને ક્યારેય તકલીફ નહિ પડે!"

આજે એમની વાતો યાદ આવે છે! ક્યારેય મારું કે મારા ભાઈનું કામ ક્યાંય અટક્યું નથી, અમારા પ્રયત્નો તો હોય જ છતાં, જરૂર પડે ક્યાંકથી ને ક્યાંકથી કોઈ મદદ મળી જ ગઈ હોય, અચાનક કોઈ જૂની ઓળખાણ નીકળી આવે કે એમ જ કોઈ મદદ કરવા તૈયાર થઈ જાય.

રૂપિયા માટે વર્ષો જૂના સંબંધ તોડી નાંખતા લોકો, કે જ્યાં ફાયદો ના દેખાય ત્યાં તરત જ ‘એક્સ ક્યુઝ મી' કહીને રસ્તો બદલી જનારા લોકોને આ વાત કદાચ આ વાત નહીં સમજાય...પણ ભગવાન બધું જોતો હોય છે!

ટુંકમાં કેટલાક માણસોનું એમનું પોતાનું ગણિત હોય છે, એમાં હિસાબ રૂપિયાના નહિ પણ લાગણીઓના ત્રાજવે તોલાતો હોય છે, તમને ક્યાંક કોઈ એવું મળી જાય તો એને જાળવજો...હવે એ પ્રજાતિ બહુ ઓછી બચી છે!

આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111262213
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now