#Gandhigiri
હમણાં થોડા દિવસ પહેલાનો જ તાજો અનુભવ..
ગાંધીબાપુ સ્વચ્છતામાં માનતા, અને હું પણ માનું. ડાકોર બસસ્ટેન્ડ પાસે નીકળતા એક મિત્રએ પોતાની દુકાનમાંથી કચરો સીધો રસ્તા ઉપર ફેંક્યો અને મારી અંદર રહેલી ગાંધીગીરી જાગી ઉઠી. મેં એને કહ્યું કે "અલા જયેશ, કચરો કચરા પેટીમાં નાખને." હું મારા રસ્તે આગળ ચાલવા લાગ્યો. પરંતુ મારા શબ્દોએ એને તકલીફ આપી અને એને મને ઉભો રાખ્યો. એને મને જે જવાબ આપ્યો એ સાંભળી મારી એકવાર તો બોલતી જ બંધ થઈ ગઈ.
એને કહ્યું :"તને આટલામાં ક્યાંય કચરાપેટી દેખાય છે ? અહીંયા ના નાખું તો ક્યાં નાખું ?" હું ત્યાં જ ઊભો રહી ગયો અને આજુબાજુ જોયું તો બધે કચરો જ કચરો હતો. ક્યાંય કચરા પેટી નહિ. દિવસમાં એક વખત નગર પાલિકાનો માણસ આવી નીચે ફેંકાયેલો કચરો ઉઠાવી જાય. જયેશને શું જવાબ આપવો હવે એ વિચારી મારા પગ ત્યાંજ થંભી ગયા. પરંતુ ઓચિંતો મારા મગજમાં એક વિચાર આવ્યો અને તેની પાસે હું પહોંચ્યો. મેં એને કહ્યું કે "તારે દુકાન છે. એક ખાલી બોક્સ કે મોટી કોથળી તો હશે જ ને, એમાં આખા દિવસનો કચરો ભેગો કરી લે. અને જ્યારે નગર પાલિકા વાળા કચરો લેવા માટે આવે ત્યારે એમાં નાખી દેજે. આમ જ જો કેટલો કચરો ત્યાં ઓછો થઈ જશે. અને આખો દિવસ તું જ ત્યાં બેસે છે તો ગંદકી પણ તારે જ જોવાની થાય છે ને ?" જયેશે કહ્યું :"ચાલ હું તો તારી વાત માની લઈશ, પણ બીજા લોકોનું શું કરું ? એ પણ અહીંયા જ કચરો ફેંકે છે." મેં એ વાતનો પણ જવાબ આપ્યો અને કહ્યું કે :"જેમ મેં તને સમજાવ્યો એમ તું પણ એમને સમજાવી શકે ને ? જો બધા જ લોકો આ વાત માનશે તો તારી આંખો સામે કચરાની જગ્યા ઉપર સુંદર રસ્તો દેખાશે, મચ્છર પણ નહીં હોય."
આટલી વાત કરી હું નીકળી ગયો. પરંતુ બીજા દિવસે એજ રસ્તે પસાર થતાં જયેશે મને બોલાવ્યો અને પોતે ભેગો કરેલા કચરાનું બોક્સ બતાવ્યું ત્યારે મને મારી અંદર જ ગર્વ થયો. મારા અંદર જાગેલી ગાંધીગીરી કામ કરી ગઈ.