હરિ તારા જેવા બીજા મને મળે ના મળે.
અલંકારે છો અનન્વય અને મળે ના મળે.
પહેલેથી જ ખૂબ દઈ દીધું છે હરિવર તેં,
હવે પછી અધિક માંગવુ બને મળે ના મળે.
જૂજવાં રુપ તારાં સર્વત્ર દીસતાં મને પ્રભુ,
ચતુર્ભુજ રુપમાં નીરખવું તને મળે ના મળે.
વસીને શ્વાસ સરગમે વ્યાપકતા વધારી તેં,
હવે બીજું શું માંગુ તારી કને મળે ના મળે.
દેખાય છે અસ્તિત્વ તારું ઉરના ધબકારે,
તું સઁવાર મુજ જીવનબાગને મળે ના મળે.
ચૈતન્ય જોષી . ' દીપક ' પોરબંદર.