એવું ન સમજો કે મને અક્કલ નથી,
મારી સમસ્યા એવી છે કે હલ નથી.
છે ફાયદા એના ઘણા તો શું થયું,
સૌ બાળકોના હાથમાં એપલ નથી.
સુંદર જગાપર દેવતાની છે સહી,
ચ્હેરા ઉપર આમજ નકામો તલ નથી.
તું દાદ શાને આટલી આપે મને ,
હું રેસમાં આગળ છું પણ અવ્વલ નથી.
મનથી હિમાલય સર કર્યો છે મેં અડગ,
તન એટલું મારું હજી ખડતલ નથી.
તું ટૂંકમાં સમજી શકે તો ઠીક છે,
મારી ગઝલ એ કોઈ આર્ટિકલ નથી.
ઉશ્કેરવા પથરા ઘણા ફેંકે જગત ,
પણ શાંત સાગરમાં જરા હલચલ નથી.
રાકેશ સગર, સાગર, વડોદરા