સેન્ડવીચ
"અરે ! માનવ માટે તું લાઈટ બ્લુ શર્ટ લાવી છે ? માનવ તો કાયમ ઇન્ટરવ્યૂ માટે સફેદ શર્ટ જ પહેરે છે . એ આ શર્ટ નહી જ પહેરે ." કુમુદબહેને પોતાની નવી વહુ નિષ્ઠા ને કહ્યું . નિષ્ઠા ઝાંખી પડી ગઈ પરંતુ કાંઈ બોલી નહી .
"આજે રસોઈ માં ગુવાર નું શાક કેમ બનાવ્યું ? મારો માનવ તો ગુવાર ખાય જ નહી . તારે રસોઈ બનાવતા પહેલા મને પૂછી લેવું એકવાર . છોકરો બિચારો આખો દિવસ કામ કરે પછી જમવાનું to ભાવતું જોઈએ જ ને ! અને હા દાળમાં ગળપણ ઓછું નાખજે . માનવને બહુ ગળી દાળ નહી ફાવે ." સૂચના આપી ને કુમુદબહેન સખીમંડળને મળવા ચાલ્યા.
સાંજે માનવ ઘેર આવ્યો . હાથ મોઢું ધોઈને જમવા બેઠો . ગુવાર નું શાક જોઈને અણગમો તો થયો પણ નિષ્ઠા નું મન રાખવા માટે બોલ્યા વગર ખાઈ લીધું . રાત્રે નિષ્ઠાએ તેના માટે લાવેલો લાઈટ બ્લુ શર્ટ બતાવ્યો . મનાવે ખુશી થી સ્વીકાર્યો .
આમ તો તે લાઈટ બ્લુ શર્ટ ન પહેરતો પરંતુ પોતાની નવપરણિતા લાવી છે એમ વિચારી તે રોમાંચિત થઈ ઉઠ્યો . આ લાઈટ બ્લુ શર્ટ તેને ખુબ જ વ્હાલો હતો .
બીજા દિવસે ઇન્ટરવ્યુ આપવા જતા તેણે એ જ શર્ટ પહેર્યો . તેને જોઈ કુમુદબેન ઝંખવાણા પડી ગયા .તેમણે બળાપો કાઢવા માંડ્યો ," બૈરી ના આવતા જ ભાઈ ઘર માં બધું બદલાવા માંડ્યું છે . માં ના રાજ માં તો ગુવાર ખવાતો નહતો અને હવે ગુવારેય ખવાય છે ને કપડાં ના તો કપડાં ના માણસ ના રંગેય બદલાઈ જાય છે ."
આ સાંભળીને માનવ ડઘાઈ ગયો . માતા ને સમજાવવા લાગ્યો કે નિષ્ઠા નવી નવી આ ઘર માં આવી છે તો તેને થોડો સમય આપવો જોઈએ . ત્યાં તો તેને "બૈરીઘેલો " હોવાનું લેબલ લાગી ગયું .
સાંજે જમવાનું પતાવી ને માનવ અને નિષ્ઠા રોજ પ્રમાણે ચાલવા નીકળ્યા . ત્યાં તો નિષ્ઠાએ ફરિયાદ ચાલુ કરી . નિષ્ઠાને કુમુદબેન નો સ્વભાવ સમજાવવા જાય છે ત્યાં તો તેને "માવડીયો" હોવાનું લેબલ મળી ગયું .
તે રાત્રે મોડે સુધી માનવને ઊંઘ ન આવી . તે વિચારતો રહ્યો કે પોતે માવડીયો છે કે બૈરીઘેલો !!!