#હું_ને_મારા_સાસુમોમ
મારા સાસુ અત્યંત સફાઈ પ્રિય, એમાંય પાણી અને પથરા એમને અતિ પ્રિય, બંનેનો સન્મય કરાવવામાં એમને પરમ સંતોષ મળે!
રોજ વહેલી સવારે ઊઠીને એ ઘરની બહારની નાનકડી ચકલીએથી ડોલ ભરી ભરીને પાણી ઊંચકે અને એનાથી ઘરની બહારનાં બધા પથરા ધોઈ નાખે, એ પછી કામવાળા બહેન આવે એમની પાસે પણ ઘરના એક એક રૂમમાં એક એક ચોખ્ખું પાણી ભરેલી ડોલ લઈને પોતા કરાવે અને એ પાણી પાછું બહારના પથ્થર ચમકાવવા રી-યુઝ કરે...!
આસપડોશના કેટલાંક માસીઓ ટકોર પણ કરે, “તમે કેટલી બધી મહેનત કરો છો! બહારનાં પથ્થર પર તો હમણાં એક પવન આવશે ને ફરી ધૂળ ઊડી આવવાની!"
એ ધૂળ ઉડીને ના આવે એટલે મારા સાસુ બીજી બે ડોલ પાણી પથ્થર પરથી રગડાવે...માટીને ચોંટાડી દેવા. આજ પ્રોગ્રામ સાંજે પણ ચાલે. ગમે ત્યાં બહાર જવાનું હોય, ઉપવાસ હોય, તબિયત ખરાબ હોય તો પણ આટલું કામ તો કરવાનું જ... અમારા ઘરની બહારની માટી જો ભીની ના હોય તો લોક પૂછે, “તારા સાસુ ઘરે નથી?"
ઘરનાં બધાં સભ્યો એમને રોકે... હું મનોમન ગભરાઉં કે હમણાં કોઈ મને એ કામ ના વળગાડી દે... હું પાણી છાંટી લઉં પણ મારા છોડવા હોય ત્યાં જ... મારું જે જુદું વળગણ છે અને એમાંથી નવરી પડું એટલે કંઇક લખવાનું હોય, કામ ઉપર જવાનું હોય, ઘર, બાળકો... અધધ કામ હોય, સીધું કહી દઉં તો મને એ પથરા પાછળ સમય ફાળવવાનું નથી પોસાતું!
હવે અહીંયા આવે છે રસપ્રદ વળાંક હું અને મારા સાસુ બંને એકબીજાના કામમાં માથું જ નથી મારતા.. રોજ સવારે એ એમનાં પાણી, પથરા અને પૂજામાં મસ્ત અને હું મારા છોડવા અને લેખનમાં રત... લોકો ઈર્ષા કરે તો કરે હમે ક્યા? ?
ખરી બબાલ હવે ઊભી હવે થશે એવું હું ભવિષ્યના આવનારા દિવસોમાં જોઈ રહી છું! સરકાર પાટનગરમાં ઘરે ઘરે ચોવીસ કલાક પાણી આપવાની છે અને એ પણ મીટર ઉપર... ચોવીસ કલાક ચાલું પીવાનું પાણી જોઇને મારા સાસુનો પથરા અને પાણી પ્રેમ બેવડાઈ જવાનો એમાં કોઈ શંકા નથી પણ એ પાણીની ડોલ ભરતાં મીટરનો આંકડો કેટલે પહોંચ્યો એના ઉપર પણ એમની ચાંપતી નજર હશે... રૂપિયો વેડફવો તો અમને બંનેને જરાય ના ગમે! તો.. એ પાણીની બચત કરશે, રી-યુઝ કરીને પથરા ધોવડાવશે, મારા છોડવા ઓછાં કરવાનું કહેશે, કે... મને ઘણાં બધાં વિચાર, તુક્કા સુજી રહ્યાં છે પણ એ અગત્યનું નથી મારા સાસુ શું વિચારી રહ્યાં છે એ અગત્યનું છે... ભગવાન કરે ને એ કોઈ ઉકેલ ખોળી લે જેથી મને ડિસ્ટર્બ ના કરે... છોડવાઓને માટે તો પાણી જોઈએ જ અને લખવા માટે સમય ના મળે તો મારું માથું તપી જાય... અબ કરે તો ક્યાં કરે..!?
ટુંકમાં આજુબાજુ વાળા જે જે માસીબાએ મારા સાસુની અને એમની વહુની પ્રતિભા જોઈ પાણી રૂપયેથી મળતું હોય તો સારું એવી ઇચ્છાઓ કરેલી એ બધાયને કહેવાનું વધારે ખુશ ના થતા...અમારા પથરા અને છોડવા ચોખ્ખાં જ રહેવાના... પાણીનું તો કૈંક કરી જ લેહું, એના ચક્કરમાં તમને અમારી કોઈ નવી પ્રતિભા જોવા મળે તો નવાઈ ના પામતાં ?
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?