સંવાદ:શાળામાં ભરતી
"મારો મુન્ના રાજા હવે દીદી જોડે શાળાએ જશે!"
"દીદી ની શાળા માં નહિ"
"તો?"
"દેવી,હવે થોડા મોર્ડન થવું પડશે. . જુઓ લોકો કેવું સ્માર્ટ અંગ્રેજી બોલે છે?આપણે પણ મુન્નાને સ્માર્ટ બનાવીશું"
"બળ્યું તમારું અંગ્રેજી!,અહી કોણ ભણ્યું છે?"
"એટલે જ કહું છું, આપણે આટલા હોશિયાર હોવા છતાં સ્માર્ટ નથી લાગતા .અને આજે જમાનો દેખાડાનો છે"
"આપણી જાત સોનીની,હું તો બહાર જ ક્યાં નીકળી છું.માત્ર શાળા કોલેજ જવાનું . ભણી ને વહેલા પાછા.અને આપણે પણ વળી બાપ દાદા ના ધંધા માંથી ક્યાં છૂટા પડી શકવાના? "
"એ બધું આપણા જમાનામાં ચાલ્યું,દેવી!"
"કેમ હવે શું ફરક પડી ગયો છે?"
"અલંકાર જવેલર્સ નો એક દીકરો તો બહારથી જવેલરી ડીઝાઇન ભણીને આવ્યો.એના ધંધાની પ્રગતિ માટે"
"તે એમાં શું મુન્ના ને પણ મોકલીશું જ"
"અરે ગાંડી,એના માટે જ કહું છું ,અંગ્રેજી માધ્યમ મા ભણાવીએ"
"શાળા બહુ દૂર છે.અને અંગ્રેજી ભણે તો હું પછી ભણાવીશ કેવી રીતે એને?"
"બસમાં મોકલીશું ,ટ્યુશન રાખીશું એમાં શું?"
"પણ કદાચ શાળા ફી પણ વધારે હોય હો!"
"પહોંચી વળીશું,થોડું વધારે કામ કરીશું"
"આપણને એકલા ને છોકરો છે બાકી બધા ભાઈને દીકરી , તો બાપુજી ખર્ચો તો સરખે ભાગે જ આપે !"
"એ તો સમજાવીશ ,ન માને તો આપણે જ ખર્ચો કરીશું"
"સમજી વિચારીને ..આપણી પાસે બહુ બચત નથી"
"ભવિષ્યને ઉજાળવા જોખમ લેવું પડશે.અને આ હરીફાઈમાં ટકી રહેવા અંગ્રેજી માધ્યમમાં ભણાવવા સિવાય છૂટકો જ નથી"
"જેવી તમારી મરજી"
અર્ચિતા દીપક પંડ્યા