આદતસે મજબુર! (હાસ્ય કોયડો)
ઉત્તર ભારતના એક શહેરના એક મહોલ્લામાં પાડોશી તરીકે રહેતા બે ઈસમો એક જ ઓફિસમાં કામ કરતા હતા. તેમનાં ઘરોની નજીકમાં જ બસ સ્ટેન્ડ હતું. બસ હંમેશાં સમયસર અને લગભગ ખાલી જ આવતી હોવા છતાં બંને તેમની ઓફિસે કાં તો મોડા પહોંચતા અથવા તો ઘણીવાર નોકરીની રજા પણ પાડતા હતા. તેમની ઓફિસના વડાએ બંનેને બરતરફ કરવાની છેલ્લી ચેતવણી આપી, ત્યારે બીજા જ દિવસથી તેમણે તેમની રોજિંદી સફરની પદ્ધતિમાં નીચે મુજબના બે ફેરફાર કર્યા.
(૧) બંનેએ ઘરેથી દસેક મિનિટ વહેલા નીકળવાનું નક્કી કર્યુ.
(૨) બસસ્ટેન્ડે પહોંચ્યા પછી તેઓમાંના એકે દરરોજ વારાફરતી અન્યથી છૂટા પડીને આગળના કે પાછળના બસસ્ટેન્ડે ચાલતા જઈને તેણે ત્યાંથી જ બસમાં બેસવું એમ નક્કી કર્યું.
ઉપરોક્ત સામાન્ય ફેરફારોથી ધાર્યું પરિણામ એ આવ્યું કે તેઓ નોકરીએ કદીય મોડા પડ્યા નહિ કે તેમને રજા પાડવાનો વારો પણ આવ્યો નહિ; અને, આમ બેઉ જણ બરતરફીથી બચી ગયા.
સુજ્ઞ વાચકોએ પોતાના કોથળામાંથી બિલાડું કાઢવાનું છે!
-વલીભાઈ મુસા