લઘુકથા
કરિયાવર
કમુબહેનની દીકરી વિમળાને જોવા આજે છોકરાના ઘરના આવવાના હતાં.
કમુબહેને દીકરી વિમળાને કહ્યું, ' દીકરા જટપટ તૈયાર થઈ જા. છોકરાના પરિવાર વાળા આવતા જ હશે.
પોતાની માની વાત સાંભળી દીકરીની આંખોમાં સ્હેજ શરમ અને હૈયામાં અનેરો રોમાંચ છલકી રહ્યો. વિમળાના રોમાંચને અનુરૂપ કપડા મજૂરી કામ કરી પરિવારનું ભરણપોષણ કરતી વિધવા બાઈ કમુબહેનનાં ઘરમાં ક્યાંથી હોય ?
દીકરીએ માને પૂછ્યું, ' મા હું કયા કપડા પહેરું ? '
માએ ઝટપટ ઓછા જૂના જણાતા કપડા કાઢી દીધા. એ કપડા પહેરી તૈયાર થઈ ગઈ.
છોકરાવાળા કમુબહેનની દીકરી વિમળાને જોવા અને સગપણ નક્કી કરવા આવી પહોંચ્યા. બધી સામાન્ય વાતચીત પતી ગઈ. છેલ્લે છોકરાની માએ કહ્યું, ' કમુબહેન ! કરિયાવરમાં તમે શું શું આપશો ? એ વાત પણ કરી જ લઈએ.
છોકરાની માની વાત સાંભળી કમુની આંખોમાં જાણે કાચની કણકો ખૂંચી રહી. તેની પાંપણો ઢળી ગઈ અને આંખમાંથી છલકાયેલ આંસુ પાંપણ પર આવી અટકી ગયાં. કમુબહેને છોકરાની માને કહ્યું, મારાથી જેટલું થઈ શકે એટલું કરિયાવર હું આપીશ. છોકરાના પરિવારવાળા પાછા ફર્યા.
કમુબહેનનું માથું ઢળી ગયું. મનમાં જૂની સ્મૃતિઓ તાજી થઈ રહી. ગરીબ બાપની દીકરી કમુના વેવિશાળ પણ કરિયાવર ના કરી શકવાના કારણે તૂટી ગયા હતાં. તેની નજરો એજ ઈતિહાસને જાણે દીકરીના માધ્યમથી પુનરાવર્તિત થતો જોઈ રહી.
- નિરત જોષી ' યાત્રી '