થાક્યો પૂજન અર્ચન કરીકરી, હવે રુબરુ ક્યારે હરિ ?
તવ સ્મરણે લોચન ભરીભરી, હવે રુબરુ ક્યારે હરિ?
કથા કીર્તનને તીર્થાટને જીવન વીતાવ્યું મેં કેટકેટલું પ્રભુ,
તને હું ઝંખતો રહ્યો ફરીફરી, હવે રુબરુ ક્યારે હરિ?
દરશનની ચાહત મારી રહી અધૂરી અબ્ધિવાસી વિભુ,
ધીરજ મેં કેટકેટલી હજુ ધરી, હવે રુબરુ ક્યારે હરિ ?
પરિતોષ્યા યાચકવૃંદને યથા શક્તિ દાન પુણ્ય કરીને મેં,
તોય તારી મૂરત નજરે ના ચડી, હવે રુબરુ ક્યારે હરિ?
રુંવે રુંવે છે તડપન મારી સન્મુખ તને નીરખવાની વર્ષોથી,
જીવી રહ્યો છું આશા ખરીખરી, હવે રુબરુ ક્યારે હરિ ?
વિલાય નેત્રજ્યોતિ તે પહેલાં તારે આવવું જરુરી સરકાર,
વિનવી રહ્યો છું પ્રભુજી કરગરી, હવે રુબરુ ક્યારે હરિ ?
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.